આજકાલ ચંદ્રયાન-3 ખૂબ જ ચર્ચામાં છે. ચંદ્રયાન-2ના ક્રેશ લેન્ડિંગના ચાર વર્ષ બાદ આ મિશન મોકલવામાં આવ્યું છે. મિશન મંગલની સફળતા અને ત્યારબાદ ચંદ્રયાન-2ની નિષ્ફળતા પછી આખા વિશ્વની દ્રષ્ટિ ચંદ્રયાન-3 પર છે. જો આ મિશન સફળ થશે, તો અંતરિક્ષ ક્ષેત્રે ભારતની બીજી મોટી સફળતા હશે. ભારતની ચંદ્રયાન-3 પાસેથી ખૂબ જ આશાઓ જોડાયેલી છે. તો ચંદ્રયાન-3ને ચંદ્ર પર કેમ મોકલવામાં આવ્યું છે ? તેનો હેતુ શું છે ? ચંદ્ર પર શા માટે શોધ થઇ રહી છે ? ચંદ્ર મિશનથી મનુષ્યને શું ફાયદો થશે ? જાણવા માટે વાંચો…
ચંદ્ર પર અલગ-અલગ મિશન કેમ કરવામાં આવે છે?
ચંદ્ર પર મિશન મોકલવાના ઉદ્દેશ્યો અંગે, નાસાનું કહેવું છે કે, ચંદ્ર પૃથ્વીનો જ બનેલો ભાગ છે, પૃથ્વીના પ્રારંભિક ઇતિહાસના પુરાવા ત્યાં મળી શકે છે. જો કે, પૃથ્વી પર આ પુરાવાઓ ભૌગોલિક પ્રક્રિયાઓને કારણે ભૂંસાઈ ગયા છે.
શું છે ચંદ્રયાન-3?
ISRO અનુસાર, ચંદ્રયાન-3એ ચંદ્રયાન-2નો જ આગળનો તબક્કો છે. જે ચંદ્રની સપાટી પર ઉતરશે અને પરિક્ષણો હાથ ધરશે. તેમાં પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર અને રોવર હશે. ચંદ્રયાન-3નો હેતુ ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવાનો છે. મિશનની સફળતા માટે નવા સાધનો બનાવવામાં આવ્યા છે. અલ્ગોરિધમ્સમાં સુધારો કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-2 મિશન ચંદ્રની સપાટી પર ક્યા કારણોસર ઉતરી શક્યું ન હતું તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ચંદ્રયાન-3નો ઉદ્દેશ્ય
14 જુલાઇ, 2023ના રોજ ચંદ્રયાન-3ને ISRO દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાનનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવાનો છે. અમેરિકાના નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ઉતરનારા પ્રથમ માણસ હતા. ત્યારથી માનવરહિત મિશન ચાલી રહ્યા છે. પૃથ્વી અને બ્રહ્માંડના ઇતિહાસનો અભ્યાસ કરવા માટે ચંદ્ર વૈજ્ઞાનિકો માટે લક્ષ્ય બની ગયો છે.
ચંદ્ર પર શા માટે શોધ થઈ રહી છે ?
ચંદ્રયાન-3 સહિત ભારત પાસે જ ચંદ્ર પરના કુલ 3 મિશન થઇ થશે. જો કે, આના સિવાય પણ વિશ્વની તમામ રાષ્ટ્રીય અને ખાનગી સ્પેસ એજન્સીઓએ ચંદ્ર મિશન મોકલ્યા છે અથવા મોકલવાની તૈયારી કરી રહી છે. પરંતુ આ મિશનને અપેક્ષિત સફળતા મળી નથી. આ જ કારણોસર ચંદ્ર પર સંશોધનને આજે પણ એક પડકારૂપ માનવામાં આવે છે.
ચંદ્ર પર મિશન મોકલવાના ઉદ્દેશ્યો
નાસાના જણાવ્યા અનુસાર, ચંદ્ર વૈજ્ઞાનિકોને પ્રારંભિક પૃથ્વીના નવા દ્રષ્ટિકોણ પ્રદાન કરશે. પૃથ્વી-ચંદ્ર પ્રણાલી અને સૂર્યમંડળની રચના અને વિકાસ કેવી રીતે થયો જેવા પ્રશ્નોના જવાબ વૈજ્ઞાનિકો શોધી શકે છે. આ સાથે પૃથ્વીના ઈતિહાસ અને સંભવતઃ ભવિષ્યને પ્રભાવિત કરવામાં એસ્ટરોઈડની અસરની ભૂમિકા વિશે પણ જાણી શકાશે.
ચંદ્ર સંશોધનનું પરિક્ષણ કરવા ઉત્તમ સ્થળ
અમેરિકાની એક એજન્સી અનુસાર, ચંદ્ર ઘણા રોમાંચક એન્જિનિયરિંગ પડકારોને રજૂ કરે છે. તે જોખમોને ઘટાડવા અને ભવિષ્યના મિશનનોની ઉત્પાદકતા વધારવા માટે ટેક્નોલોજી, ઉડાન ક્ષમતાઓ, જીવન સહાયક પ્રણાલીઓ અને સંશોધન તકનીકોનું પરિક્ષણ કરવા માટે તે એક ઉત્તમ જગ્યા છે.
ચંદ્ર મિશનથી મનુષ્યને શું મળશે ?
ચંદ્રની યાત્રા મનુષ્યને બીજી દુનિયામાં જીવવા અને કામ કરવાનો પ્રથમ અનુભવ પ્રદાન કરશે. આ સફર આપણને અવકાશના તાપમાન અને અત્યંત કિરણોત્સર્ગમાં અદ્યતન સામગ્રી અને સાધનોનું પરિક્ષણ કરવાની મંજૂરી આપશે.
નાસાના અનુસાર, ચંદ્ર પર સફળતાપૂર્વક હાજરી સ્થાપિત કરીને, મનુષ્ય પૃથ્વી પરના જીવનને વધારશે અને આપણા બાકીના સૌરમંડળ અને તેની બહારની શોધ કરવા માટે તૈયાર થશે.
ગ્રહો-ઉપગ્રહોની શોધખોળમાં મદદ
ચંદ્રની અન્વેષણ તકનીકી નવીનતાઓ નવા સંસાધનોના ઉપયોગ માટે નવી વ્યવસાયિક તકો પણ પ્રદાન કરે છે. આખરે, ચંદ્ર પર ચોકીઓ સ્થાપવાથી મનુષ્યો અને સંશોધકોને પૃથ્વીની બહારના ગ્રહો અને ઉપગ્રહોની શોધખોળ અને વસાહતને વિસ્તૃત કરવામાં મદદ મળશે.
ચંદ્રયાન-3 ચંદ્ર પર શુંં કરશે ?
ISROએ 17 ઓગસ્ટે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યૂલને બપોરે 1:15 લેન્ડર અને રોવરથી અલગ કરી દીધું હતું. હવે, પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરવા માટે પ્રોપલ્શન મોડ્યૂલ ચંદ્રની ભ્રમણકક્ષામાં અંદાજે 3થી 6 મહિના સુધી રહેશે. જ્યારે લેન્ડર અને રોવર 23 ઓગસ્ટે સાંજે 5:47 ચંદ્રની સપાટી પર ઊતરશે. અહીં એ 14 દિવસ સુધી પાણીની શોધ સહિત અન્ય પ્રયોગો કરશે.
ભારત સોફ્ટ લેન્ડિંગ કરનારો ચોથો દેશ બનશે
ભારતને જો સોફ્ટ લેન્ડિંગમાં સફળતા મળે છે, એટલે કે જો મિશન સફળ થાય છે તો અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત આવું કરનારો ચોથો દેશ બનશે. અમેરિકા અને રશિયા બંને ચંદ્ર પર સફળતાપૂર્વક ઊતર્યા એ પહેલાં અનેક અવકાશયાન ક્રેશ થયાં હતાં. 2013માં ચાંગે-3 મિશન સાથેના પ્રથમ પ્રયાસમાં સફળ થનારો ચીન એકમાત્ર દેશ છે.
મિશનથી ભારતને શું ફાયદો થશે ?
ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક મનિષ પુરોહિતનું કહેવું છે કે, આ મિશન દ્વારા ભારત દુનિયાને જણાવવા માગે છે કે, તેની પાસે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવાની અને ત્યાં રોવર ચલાવવાની ક્ષમતા છે. આનાથી ભારત પર વિશ્વનો વિશ્વાસ વધશે. જે કોમર્શિયલ બિઝનેસને વધારવામાં મદદ કરશે. ભારતે તેના હેવી લિફ્ટ લોન્ચ વ્હીકલ LVM3-M4થી ચંદ્રયાનને લોન્ચ કર્યું હતું. ભારત આ વ્હીકલ ક્ષમતા દુનિયાને બતાવી ચૂક્યું છે.
મિશન દક્ષિણ ધ્રુવ પર જ કેમ?
ચંદ્રના ધ્રુવીય પ્રદેશો અન્ય પ્રદેશો કરતાં તદ્દન અલગ છે. અહીં ઘણા એવા ભાગો આવેલા છે, જ્યાં સૂર્યપ્રકાશ ક્યારેય પહોંચતો જ નથી. અહીંનું તાપમાન પણ -200 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જાય છે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, બરફના રૂપમાં હજુ પણ ત્યાં પાણી હાજર હોઈ શકે છે. ભારતે 2008માં કરેલા ચંદ્રયાન-1 મિશને ચંદ્રની સપાટી પર પાણીની હાજરીનો સંકેત આપ્યો હતો.
ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ-લેન્ડ કરનારું વિશ્વનું પ્રથમ અવકાશયાન બનશે
જો આ મિશન પૂર્ણ થયું તો, ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ-લેન્ડ કરનારું વિશ્વનું પ્રથમ અવકાશયાન બનશે. ચંદ્ર પર ઊતરવા માટેના અગાઉના તમામ અવકાશયાન વિષુવવૃત્તીય પ્રદેશમાં અને વિષુવવૃત્તની ઉત્તર અથવા દક્ષિણમાં અક્ષાંશના થોડા ડિગ્રી ઊતર્યા છે.
Good work
Thank you!