Hindu marriage 7 Vows | Indian Marriage | Lagna na 7 vachan | Shadi ke 7 vachan

લગ્નની દરેક વિધીનું કંઇક મહત્તવ રહેલું છે. પરંતુ તેના વિશે ઘણી વાર આપણે અજાણ હોઇએ છીએ. તેવા જ લગ્નના સાત વચન છે. દરેકને જાણ છે કે, સપ્તપદીના સાત વચન આપવાના હોય પણ તે વચન શું છે તેનાથી અજાણ હોય છે. વર અને કન્યા એકબીજાને સાત વચન આપે છે. આમા, આપણે વર અને કન્યા દ્વારાઅપાતા વચન વિશે જાણીશું. જાણો આજે એ સાત વચન ક્યા હોય છે ?

સપ્તપદીનું પહેલું વચન

તીર્થવ્રતોધાપન યજ્ઞકર્મ મયા સહૈવ પ્રિયવયં કુર્યા :
વામાંગમાયમિ તદા ત્વદીયં બ્રવીતિ વાક્યં પ્રથમં કુમારી ||

આ પહેલા વચનમાં કન્યા વર પાસે માંગે છે કે, જો તમે ક્યારેય પણ તીર્થ, યાત્રા પર જાઓ તો મને સાથે લઇને જજો. જો તમે કોઇ પણ વ્રત કે ધર્મનું કાર્ય કરો તો આજની જ જેમ મને તમારી સાથે રાખજો. જો તમે આ વચન આપવા તૈયાર છો. તો જ હું તમારી સાથે જીવન વિતાવવા તૈયાર છું.

કન્યા દ્વારા વરને અપાતું પહેલું વચન

પહેલા વચનમાં કન્યા વરને વચન આપે છે કે, તીર્થ, ધર્મ, વ્રત, યજ્ઞ જેવા કોઇ પણ ધાર્મિક કાર્યોમાં હું તમારી સાથે રહીશ.

સપ્તપદીનું બીજું વચન

પુજ્યો યથા સ્વૌ પિતરૌ મમાપિ તથેશભક્તો નિજકર્મ કુર્યા :
વામાંગમાયામિ તદા ત્વદીયં બ્રવીતિ કન્યા વચંન દ્વિતીયમ ||

વર જોડે બીજા વચનમાં કન્યા માંગે છે કે, તમે તમારા માતા-પિતાનું સન્માન જે રીતે કરો છો, તે જ રીતે મારા માતા-પિતાનું પણ સન્માન કરશો. તથા મારા પરિવારની ગરિમા પ્રમાણે ભગવાનમાં માનતા રહેશો તો, હું તમારી સાથે જીવન વિતાવવા તૈયાર છું.

કન્યા દ્વારા વરને અપાતું બીજું વચન

બીજા વચનમાં કન્યા વરને વચન આપે છે કે, તમારા પરિવારમાં બાળકથી લઇને વૃદ્ધ સુધી દરેક પરિવારજનોની સાર-સંભાળ રાખીશ. તથા જીવનમાં જે કંઇ પણ મળશે તેમાં હું સંતુષ્ટ રહીશ.

સપ્તપદીનું ત્રીજું વચન

જીનવમ અવસ્થાત્રયે મમ પાલનાં કુર્યા :
વમાંગંયામિ તદા ત્વદીયં બ્રવીતિ કન્યા વચનં તૃતીયં ||

દરેક વ્યક્તિના જીવનમાં શૈશવાવસ્થા, બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા તથા વૃદ્ધાવસ્થા જેવા પડાવો આવે છે. લગ્નની ઉંમર યુવાવસ્થા દરમિયાન આવે છે. ત્યારે કન્યા પતિ પાસે ત્રીજું વચન માંગે છે કે, તમે યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા ત્રણેમાં મારું ધ્યાન રાખશો. તથા મારો સાથ નિભાવશો તો હું તમારી સાથે જીવન વિતાવવા તૈયાર છું.

કન્યા દ્વારા વરને અપાતું ત્રીજું વચન

ત્રીજા વચનમાં કન્યા વરને કહે છે કે, હું દરરોજ તમારી આજ્ઞાનું પાલન કરીશ. તથા સમયસર ગળ્યું તથા તમારા મનગમતાં ભોજન તૈયાર કરીને તમારી સામે રાખીશ.

સાત સોપારી-સાત વચનોનું પ્રતીક

સપ્તપદીનું ચોથું વચન

કુટુમ્બસંપાલનસર્વકાર્ય કર્તુ યદિ કાતં કુર્યા :
વામાંગમાયામિ તદા ત્વદીયં બ્રવીતિ કન્યા વચનં ચતુર્થ ||

ચોથા વચનમાં કન્યા પતિ પાસ માંગે છે કે, અત્યાર સુધી તમે ઘર-પરિવારની ચિંતાથી દરેક રીતે મુક્ત હતા. પરંતુ હવે લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહ્યા છો, તો પરિવારની દરેક સમસ્યાઓ અને જવાબદારીઓ તમારા ખભા પર હશે. જો તમે આ ભાર મારી સાથે ઉઠાવવાનું વચન આપો છો તો હું તમારા સાથે જીવન વિતાવવા તૈયાર છું.

કન્યા દ્વારા વરને અપાતું ચોથું વચન

ચોથું વચન જે કન્યા વરને આપે છે, હું સ્વચ્છતાપૂર્વક એટલે કે, સ્નાન કરીને દરેક શૃંગારને ધારણ કરીને મન, વાણી અને શરીરથી તમારો સાથ નિભાવીશ.

સપ્તપદીનું પાંચમું વચન

સ્વસદ્યકાર્યે વ્યવહારકર્મણ્યે વ્યયે મામાપિ મન્ત્રયેથા :
વામાંગમાયામિ તદા તત્દીયં વચ: પંચમત્ર કન્યા ||

લગ્નના પાંચમા વચનમાં કન્યા પતિ જોડે માંગે છે કે, લગ્ન પછી આપણા ઘરનાં કોઇ પણ કાર્ય, લેન-દેન અને અન્ય કોઇ પણ પ્રકારનો ખર્ચો કરતા સમયે જો તમે મારી સલાહ લેશો. તો હું તમારી સાથે જીવન વિતાવવા તૈયાર છું.

કન્યા દ્વારા વરને અપાતું પાંચમું વચન

પાંચમું વચન જે કન્યા વરને આપે છે, હું તમારા દુ:ખમાં ધીરજ અને તમારા સુખમાં પ્રસન્નતા સાથે રહીશ. હું તમારા સુખ-દુ:ખની સાથી બનીશ. હું ક્યારેય પરપુરુષનો સાથ રાખીશ નહિ.

સપ્તપદીનું છઠ્ઠું વચન

ન મેપમાનમં સવિધે સખીનાં દ્યૂતં ન વા દુર્વ્યસનં ભંજશ્ચેત :
વામાંગમાયામિ તદા ત્વદીયં બ્રવીતિ કન્યા વચનં ચ ષષ્ઠમ ||

છઠ્ઠા ફેરામાં કન્યા પતિ પાસે વચન માંગે છે કે, જો હું મારી મિત્ર અથવા અન્ય કોઇ સ્ત્રીઓની વચ્ચે બેઠી હોઉં, તો ત્યાં તમે કોઇપણ કારણોસર મારું અપમાન નહિ કરો. તથા તમે કોઇપણ પ્રકારના ખરાબ વ્યસ્નથી પોતાને દૂર રાખશો. તો હું તમારી સાથે જીવન વિતાવવા તૈયાર છું.

કન્યા દ્વારા વરને અપાતું છઠ્ઠું વચન

છઠ્ઠું વચન જે કન્યા વરને આપે છે, હું તમારું દરેક કાર્ય ખુશીથી કરીશ. સાસુ-સસરાની સેવા અને બીજા સંબંધીઓનો સત્કાર કરીશ. તમે જ્યાં રહેશો ત્યાં રહીશ. હું મારા તમને ક્યારેય નહિ ઠગીશ નહિ એટલે કે, તમારો વિશ્વાસ ક્યારે નહિ તોડું.

સપ્તપદીનું સાતમું વચન

પરસ્ત્રિયં માતૃસમાં સમીક્ષ્ય સ્નેહં સદા ચેન્મયિ કૂર્ય :
વામાંગમાયામિ તદા ત્વદીયં બ્રૂતે વચ: સપ્તમત્ર કન્યા ||

સાતમા અને છેલ્લા વચનમાં કન્યા પતિ જોડે માંગે છે કે, તમે અન્ય દરેક સ્ત્રીઓને માતા સમાન માનશો. તથા આપણા પતિ-પત્નીના પ્રેમ વચ્ચે અન્ય કોઇને નહિ આવવા દો. જો તમે મને આ વચન આપો છો તો હું તમારી સાથે જીવન વિતાવવા તૈયાર છું.

કન્યા દ્વારા વરને અપાતું સાતમુ વચન

સાતમા અને છેલ્લા વચનમાં કન્યા પતિને વચન આપે છે કે, હું ધર્મ, અર્થ અને કામ સંબંધી કાર્યોમાં તમારી ઇચ્છાનું પાલન કરીશ. અહીં અગ્નિદેવ, બ્રાહ્મણ અને માતા-પિતા સહિત દરેક સંબંધીઓની સાક્ષીમાં તમને મારા પતિ માનીને મારું તન તમને અર્પણ કરું છું.

વાંચો: ગુરુ પુર્ણિમા કેમ ઉજવવાય છે, ગુરુનું જીવનમાં શું મહત્વ છે ?

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.