Backpain reasons and solutions – Home remedies

કમરનો દુ:ખાવો એકદમ સામાન્ય થઇ ગયો છે. દરેક ઘરમાં કોઇ એક વ્યક્તિ તો મળી જ રહેશે, જેને કમરનો દુ:ખાવો થતો હોય. સામાન્ય રીતે 40 વર્ષની ઉંમર પછી આ સમસ્યા જોવા મળતી હોય છે. સ્ત્રીઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. આપણી રહેણીકરણી જ એવી થઇ ગઇ છે કે, હવે આ તકલીફ 25 વર્ષની ઉંમરમાં પણ જોવા મળે છે. તો ચાલો આજે, જાણીએ કમરના દુ:ખાવાના કારણો અને તેમાં કઇ રીતે રાહત મેળવી શકાય તેના ઉપાયો વિશે.

કમરના દુ:ખાવાના કારણો

  • કમરમાં કોઇપણ પ્રકારની ઇજા થઇ હોય
  • કમરના મણકાની ગાદીમાં ઘસારો થતો હોય
  • કમરના મણકાની ગાદીમાં ચેપ લાગતો હોય
  • વધતી ઉંમરના લીધે શરીરમાં કેલ્શિયમ અને પ્રોટીન જેવા જરૂરી પોષકતત્વોની ઉણપ ઉભી થાય તથા અન્ય બીજા કારણોના લીધે કમરનો દુ:ખાવો થઇ શકે છે.

કમરના દુ:ખાવાને અટકાવવા શું કરવું જોઇએ ?

  • હંમેશા ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઇએ. શાળામાં ભલેને શિક્ષકના કહેવા પર તે વધારે સ્ટ્રીક શિક્ષક લાગે. પરંતુ લાંબા ગાળે આ આદત કમરના દુ:ખાવામાંથી બચાવે છે. આ આદતથી મણકાની ગાદી પર એક સરખું દબાણ આવે છે અને મણકાની ગાદીમાં ઘસારો થતા બચાવી શકાય છે. તથા સીધા બેસવાની ક્રિયા સભાનપણે પ્રયત્નપૂર્વક કરવી પડતી ક્રિયા છે, તેથી તે એકજાતની કસરત જ છે. જેનાથી સ્નાયુઓ મજબૂત બને છે.
  • જો લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાનું હોય તો, અમુક સમયે હલન-ચલન કરવું જરૂરી છે. ગમે તેવા કાર્યમાં 30થી 35 મિનિટના અંતરમાં થોડીવાર માટે ઉભા થઇને હલન-ચલન કરવું જોઇએ.
  • ખોરાકમાં દૂધ-દહીં, કઠોળ, વિટામીન્સ પૂરતા પ્રમાણમાં લેવા જોઇએ. જેથી શરીરને કેલ્શિયમ અને પ્રોટીન મળતા રહે. આપણા શરીરમાં જૂનું કેલ્શિયમ અને પ્રોટીન અમુક સમયે બદલાય છે. આ ક્રિયા માટે ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ અને પ્રોટીન મળવા જરૂરી છે. તે ન મળે તો મણકાની ગાદીમાં ઝડપથી ઘસારો થાય છે.
  • કમરથી વાંકા વળીને કરવાવાળું કામ એકદમ ઝટકા સાથે ન કરવું જોઇએ.
  • કમરના સ્નાયુ અને તંતુની મજબૂતાઇ જળવાઇ રાખવા દરરોજ કમરના સ્નાયુઓની કસરત કરવી જોઇએ.

કમરના સ્નાયુઓને મજબૂત બનાવવા કરાતી કસરત

  • દરરોજ સવારે ભૂખ્યા પેટે સપાટ જમીન પર કે પલંગ પર ઊંધા સુઇ જવું. બન્ને હાથ પીઠ પર રાખીને ઊંડો શ્વાસ લઇને રોકવો. છાતી અને માથાને જમીનથી અંદાજે 6થી 8 ઇંચ ઊંચું રાખી શકાય ત્યાં સુધી રાખવું. આ કસરત દરમિયાન શ્વાસને રોકી શકાય ત્યાં સુધી રોકો. ન રોકી શકાય ત્યારે શ્વાસને છોડતા-છોડતા શરીરને પણ ઢીલું છોડવું. ત્યારબાદ બેથી ત્રણ વાર ઊંડા શ્વાસ લઇને છોડવા.
  • સીધા સુઇને બંન્ને હાથની હથેળીને સપાચ પથારી સાથે ટેકો રાખવા. ઊંડો શ્વાસ લઇને, શ્વાસને રોકી, બંન્ને પગને એક સાથે ગોઢણથી વાળવા. ત્યારબાદ બંન્ને પગને શરીરથી કાટખૂણે આકાશ તરફ ઊંચા કરવા. કમર પણ જેટલી ઊંચી થઇ શકે તેટલી કરવાનો પ્યત્ન કરવો. આ સ્થિતિમાં જ્યાં સુધી રહી શકાય ત્યાં સુધી રહેવું.

કમરના દુ:ખાવાની સારવાર

  • કમરના દુ:ખતા ભાગ પર હળવો શેક કરવો.
  • કમરમાં દુ:ખાવો થતો હોય તો આરામ વધારે પ્રમાણમાં કરવો જોઇએ. બેસવા કરતા સૂઇ રહેવું જોઇએ. જેથી કમરના સ્નાયુઓ અને મણકાને આરામ મળે.
  • શક્ય હોય ત્યાં સુધી જમીન પર ન સૂવું. કારણ કે, જમીન પર સૂઇને ઉભા થવામાં શરીરને તકલીફ પડે છે.
  • વધારે તકલીફ થાય તો ડૉક્ટરની સલાહ મુજબ દવા લેવી જોઇએ. કાયમ માટે દુ:ખાવાની દવા ન લેવી જોઇએ, તે આગળ જતાં નુકસાકારક થઇ શકે છે.
  • શરીરનું વજન પ્રમાણસર રાહે તેનું ધ્યાન રાખવું જોઇએ. તથા ખોરાકમાં દૂધ, દહીં, કઠોળ તથા વિટામીન્ય પૂરતા પ્રમાણમાં મળતા રહે તેનું ધ્યાન રાખવું જોઇએ.
  • દુ:ખાવો વધારે લાંબો સમય રહે તો સારા ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરને બતાવવું, ક્યારેક ક્યારેક ફિઝિયોથેરાપીથી એક્સ-રે કરાવ્યા વગર પણ દુ:ખાવામાં રાહત થઇ જાય છે.
  • દુ:ખાવામાં રાહત થયા પછી દરરોજ કસરત ચાલુ રાખવી જોઇએ.

વાંચો: દાડમના ફાયદા : કેન્સર જેવા જીવલેણ રોગોમાં પણ અસરકારક

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.

Categorized in: