બાળકોનું ઉનાળું વેકેશન ચાલુ થઇ ગયું છે. ત્યારે ફરવા તો જવું જ પડે ને.. ત્યારે તમે ક્યાં જવાનું પસંદ કરશો ? હિલ સ્ટેશન, દરિયાકાંઠે બીચ પર કે પછી કોઇ મંદિરે ? ચાલો જાણીએ આવા દરેક સ્થળો વિશે જે ગુજરાતમાં આવેલા છે.
ઉનાળા વેકેશનમાં ફરવા લાયક સ્થળો
- સાપુતારા (ડાંગ)
- દેવભૂમિ દ્વારકા
- ગીર નેશનલ પાર્ક (ગીર સોમનાથ)
- પાવાગઢ (પંચમહાલ)
- કચ્છ
- સોમનાથ (ગીર સોમનાથ)
- પોલો ફોરેસ્ટ (સાબરકાંઠા)
- ઝાંઝરી ધોધ (અરવલ્લી)
1) સાપુતારા (ડાંગ)
સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું છે. સાપુતારા હિલ સ્ટેશન હોવાથી અહીં ઉનાળામાં ફરવાની મજા આવે છે. શહેરોમાં જ્યાં ગરમીનો પારો 40થી વધારે જાય છે. ત્યાં સાપુતારામાં ઉનાળામાં વધારેમાં વધારે તાપમાન 35°Cની આસપાસ રહે છે. અહીં તમને ઠંડકનો અનુભવ થાય છે. સાપુતારામાં ફરવા લાયક ઘણા સ્થળો આવેલા છે. જેવા કે, અહીં તમે ગીરમાલ વોટરફોલ, પૂર્ણા વાઇલ્ડ લાઇફ સેન્ચયુરી, મહલ ઇકો કેમ્પસાઇટ, સાપુતારા લેક, વઘઇ બોટનીકલ ગાર્ડન, ગીરા વોટરફોલ, ડોન હિલ સ્ટેશન જેવા ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે.
2) દેવભૂમિ દ્વારકા
ઉનાળામાં દરિયાકાંઠે ફરવાની દરેકને ઇચ્છા હોય છે. તેમાં પણ ગુજરાતમાં સૌથી મોટો દરિયાકાંઠો આવેલો છે. ત્યારે દ્વારકાના શિવરાજપુર બીચ અને ઓખા મઢી બીચને કઇ રીતે ભૂલી શકાય ? તે સિવાય અહીં પાયરોટન આઇસલેન્ડ, ગાગા વાઇલ્ડ લાઇફ સેન્ચયુરીની પણ મુલાકાત લઇ શકો છો. દ્વારકામાં તમે ફરવાની સાથે-સાથે ધાર્મિક મંદિરોની પણ મુલાકાત લઇ શકો છો. અહીં દ્વારકાધીશ મંદિર, રુકમણી દેવી મંદિર તથા 12 જ્યોતિલિંગમાંનું એક નાગેશ્વર જ્યોતિલિંગ પણ આવેલું છે.
3) ગીર નેશનલ પાર્ક (ગીર સોમનાથ)
ગીર નેશનલ પાર્ક ગીર સોમનાથ જિલ્લમાં આવેલું છે. ગીર નેશનલ પાર્ક એ એશિયાટિક સિંહોનું ઘર છે. વેરાવળ અને જૂનાગઢ વચ્ચેના રસ્તે આવેલું આ જંગલ 1412 ચોરસ કિ.મી.માં ફેલાયેલું છે. સિંહ તથા અન્ય વન્યજીવો અને પક્ષીઓની અસંખ્ય પ્રજાતિઓ જોવાની તક અહીં મળે છે. અભયારણ્યમાં પ્રવેશ માત્ર સફારી પરમિટ દ્વારા જ છે. તેનું તમારે અગાઉથી ઓનલાઈન બુક કરાવવું પડે છે. ઓક્ટોમ્બરથી જૂન તથા ઉનાળાની સિઝન દરમિયાન કેટલાક વન્યજીવો જોવા મળે છે.
4) પાવાગઢ (પંચમહાલ)
પાવાગઢની ટેકરી પર માતા કાલીનું પ્રખ્યાત મંદિર આવેલું છે. જે આ વિસ્તારનું સૌથી જૂનું મંદિર છે. તે અંદાજે 10મી અથવા 11મી સદીમાં બંધાયેલું છે. અહીં યાત્રાળુઓ દૂર દૂરથી દર્શાનાર્થે આવે છે. શિખર પર મંદિર સુધી પહોંચવા માટે લગભગ 5 કિલોમીટર જેટલું જંગલ વિસ્તારમાંથી ચાલીને જવું પડે છે. જેને જંગલ વિસ્તાર જેવી કુદરતી જગ્યાએ ફરવું પસંદ હોય તેની માટે આ શ્રેષ્ઠ જગ્યા છે. જે ત્યાં સુધી ચાલી ન શકતા હોય કે, ચાલવું પસંદ ન હોય તેમની માટે અહીં રોપ-વેની સુવિધા કરવામાં આવેલી છે. જે તમને મિડ-વે પોઈન્ટથી શિખર સુધી લઈ જાય છે. મંદિરમાં વિશાળ કિલ્લેબંધી છે. મંદિરના ગર્ભગૃહમાં કાલિકા માતાની મૂર્તિને માત્ર માથું અને મુખવાટો છે. જે લાલ રંગમાં રંગાયેલું છે. મંદિર સવારે વહેલાથી રાત્રે મોડે સુધી ખુલ્લું રહે છે. જેથી ગમે તે સમયે આવતા ભક્તો અહીં દર્શન કરી શકે છે. અહીં માચી હવેલી યાત્રાળુઓ માટે આરામગૃહ તરીકે ઉપલબ્ધ છે.
5) કચ્છ
કચ્છને રણ પ્રદેશ કહેવાય છે. તેથી ત્યાં તાપમાન ગરમ હોય તે સ્વાભાવિકપણે માનવામાં આવે છે. પરંતુ ઉનાળામાં પણ અમુક સમયગાળા દરમિયાન તાપમાન નીચું હોય છે. તે સમયે કચ્છની મુલાકાત લેવી યોગ્ય ગણાય છે. તે ગુજરાતનો ભૌગોલિક રીતે સૌથી મોટો જિલ્લો હોવાથી ત્યાં ફરવા લાયક જ્યાઓ પણ વધારે છે. તમે ત્યાં લ્યારી રિવરબેડ, કચ્છ રણ અભયારણ્ય, મમાઈ દેવ કાલિયા ધ્રો, નારાયણ સરોવર, સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ, કોટેશ્વર મહાદેવ મંદિર, હમીરસર તળાવ, માંડવી બીચ, પીંગલેશ્વર બીચ, સુરકોટડા સિંધુ ખીણની સંસ્કૃતિ, લખપત ફોર્ટ, ધોળાવીરા, કચ્છનું રણ, કાલો ડુંગર જેવા સ્થળો આવેલા છે.
6) સોમનાથ (ગીર સોમનાથ)
ગીર સોમનાથ જિલ્લામાં આવેલું સોમનાથ પણ એક શ્રેષ્ઠ સ્થળ છે. સોમનાથ મંદિરએ ભગવાન શિવના 12 જ્યોર્તિલિંગમાંનું એક છે. તથા આ મંદિર દરિયાકાંઠે આવેલું છે. તેથી ભગવાન શિવના દર્શનની સાથે- સાથે દરિયાની પણ મોજ કરી શકો છો. તથા તમે પાંચ પાંડવની ગુફા પણ જોવા જઇ શકો છો. તે માતા હિંગલાજ દેવીને સમર્પિત છે. જે પાંડવોના કુળદેવી હતા. દેહોત્સર્ગ તીર્થ તે એ જગ્યા છે કે, જ્યાં ભગવાન કૃષ્ણએ તેમના દેહનો ત્યાગ કર્યો હતો. આ સિવાય પણ સોમનાથ નજીક ઘણા જોવાલાયક સ્થળો છે.
7) પોલો ફોરેસ્ટ (સાબરકાંઠા)
સાબરકાંઠા જિલ્લામાં આવેલું પોલો ફોરેસ્ટએ ઓછું પ્રખ્યાત સ્થળ છે. તે જંગલ વિસ્તાર હોવાથી શાંત અને શાંતિપૂર્ણ એકાંતનો અનુભવ કરાવે છે. પ્રાચીન પોલો સીટીએ હરણાવ નદીની આજુબાજુમાં બાંધવામાં આવ્યું હતું. તેની સ્થાપના 10મી સદીમાં ઇડરના પરિહાર રાજાઓ દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. 15મી સદીમાં મારવાડના રાઠોડ રાજપૂતો દ્વારા તેને જીતવામાં આવ્યું હતું. તેનું આ નામ મારવાડી શબ્દ પોલ પરથી ઉતરી આવ્યું છે. જેનો અર્થ “ગેટ” થાય છે. આ જંગલ વિસ્તાર હોવાને લીધે તે ઉનાળામાં પણ ઠંડકનો અનુભવ કરાવે છે.
8) ઝાંઝરી ધોધ (અરવલ્લી)
ઝાંઝરી ધોધ ડાભા ગામ પાસે વાત્રક નદીના કિનારે આવેલો છે. તે બાયડથી લગભગ 12 કિ.મી. દૂર છે. આ સ્થાન પર ગંગા માતાનું મંદિર પણ આવેલું છે જ્યાં 24 કલાક શિવજીને ઝરણા દ્વારા અભિષેક કરવામાં આવે છે. મોટાભાગે અહીં અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાથી પ્રવાસીઓ વધારે આવે છે. ધોધના નીચેના ભાગમાં સખત ખડકો જર્જરિત થઈ જવાને કારણે પથ્થરની અંદરના ખાડામાં પાણી ભરાય છે. ઉનાળામાં જ્યાં કાળજાળ ગરમી હોય ત્યારે આવી જગ્યાએ જવાથી ખૂબ જ મજા આવે છે.
વાંચો : બનાસકાંઠામાં આવેલા જોવાલાયક સ્થળોની માહિતી
વાંચો : કનેવાલ લેક – આણંદ જિલ્લાનું એક છૂપું રત્ન
વાંચો : માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો
વાંચો : અમદાવાદમાં જોવાલાયક 10 શ્રેષ્ઠ સ્થળો
વાંચો : વડોદરામાં ફરવા માટેના સ્થળો વિશેની સંપૂર્ણ માહિતી
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.
Usefull
Thank you.