આજથી શ્રાવણ મહિનાની શરુઆત થઇ ગઇ છે. શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવનો મહિનો. ત્યારે શિવ મંદિરે દર્શન કરવા તો જવું જ પડે ને ? તો જાણો, ગુજરાતમાં આવેલા 10 શિવ મંદિર તથા તેના મહત્વ વિશે.

ગુજરાતમાં આવેલા 10 પવિત્ર શિવમંદિરો | shivji mandir in gujarat:

  • Somnath Mahadev
  • નાગેશ્વર જ્યોર્તિલિંગ, દ્વારકા
  • સ્તંભેશ્વર મહાદેવ મંદિર, ભરુચ
  • ભવનાથ મહાદેવ મંદિર, જૂનાગઢ
  • ભડકેશ્વર મહાદેવ મંદિર, દ્વારકા
  • કોટેશ્વર મહાદેવ મંદિર, કચ્છ
  • ત્રિનેતેશ્વર મહાદેવ મંદિર, તરણેતર
  • ગલતેશ્વર મહાદેવ મંદિર, ડાકોર
  • શર્ણેશ્વર મહાદેવ મંદિર, પોલો ફોરેસ્ટ
  • બાલારામ શિવમંદિર, પાલનુર

1. સોમનાથ મહાદેવ મંદિર

સોમનાથ મંદિરએ ભગવાન શિવના 12 જ્યોર્તિલિંગમાંનું એક છે. તેના વિશે ઘણી બધી દંતકથાઓ પ્રચલિત છે. દંતકથા અનુસાર આ મંદિર સૌ પ્રથમ ભગવાન ચંદ્રએ સોનાનું બનાવ્યું હતું. ત્યારબાદ રાવણે ચાંદીનું બનાવ્યું હતું. તથા ભગવાન શ્રી કૃષ્ણે ચંદનના લાકડાનું બનાવ્યું હતું. અત્યારે સોમનાથમાં જે મંદિર જોવા મળે છે તેનુ પુન:નિર્માણ કરવાની પ્રતિજ્ઞા સરદાર વલ્લભાઇ પટેલે કરી હતી. સોમનાથ મંદિરનું સાતમી વખત નિર્માણ થયું છે. સોમનાથના આ મંદિરને વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતીક માનવામાં આવે છે.

2. નાગેશ્વર જ્યોર્તિલિંગ, દ્વારકા

nageshwar-dwarka
નાગેશ્વર જ્યોર્તિલિંગ

દ્વારકામાં આવેલું નાગેશ્વર જ્યોર્તિલિંગ પણ ભગવાન શિવના 12 જ્યોર્તિલિંગમાંનું એક છે. દંતકથાઓ મુજબ દારુક નામના રાક્ષસે સુપ્રિયા નામની શિવભક્તને કેદ કરી હતી. સુપ્રિયાએ ‘ઓમ નમ: શિવાય’ના મંત્રનો જાપ કરી ભગવાન શિવનું આહ્વાન કર્યું. ભગવાન શિવએ અહીં પ્રગટ થયા અને રાક્ષસને પરાજીત કર્યો. અહીં આવેલું શિવલિંગ સ્વયં ભૂ શિવલિંગ છે. જે હજી અહીં પૂજનીય છે. મંદિરની નજીક ગોપી તળાવ આવેલું છે. જે ભગવાન શ્રીકૃષ્ણની મુલાકાત લેતી ગોપીઓની દંતકથાઓ સાથે જોડાયેલું છે.

3. સ્તંભેશ્વર મહાદેવ મંદિર, ભરુચ

shree-stambheshwar-mahadev
સ્તંભેશ્વર મહાદેવ મંદિર

કાવી કંબોઇમાં દરિયા કિનારે આવેલુ સ્તંભેશ્વર મહાદેવનું મંદિર ગુજરાતના લોકપ્રિય મંદિરોમાંનું એક છે. અહીં સમુદ્ર પોતે જ શિવલિંગ પર જળાભિષેક કરે છે. આ મંદિરનું વર્ણન સ્કંદ પુરાણમાં પણ થયેલું છે. અહીં આવેલા શિવલિંગની સ્થાપના ભગવાન કાર્તિકેયે કરી હતી. માનવામાં આવે છે કે, અહીં પૂજા કરવાથી કે કરાવવાથી વ્ચક્તિના જીવનમાં ખૂબ જ લાભ થાય છે.

4. ભવનાથ મહાદેવ મંદિર, જૂનાગઢ

ભવનાથ મહાદેવ મંદિર

ભવનાથ મહાદેવનું મંદિર જૂનાગઢ શહેરમાં આવેલું છે. તે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું છે. આ મંદિરને નાગા બાવાઓનું ઘર માનવામાં આવે છે. મંદિર ભવનાથના મેળા માટે પ્રખ્યાત છે. દંતકથાઓ મુજબ, જ્યારે શિવ અને પાર્વતી ગિરનારની ટેકરીઓ ઉપરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમનું દૈવી વસ્ત્ર મૃગી કુંડ પર પડી ગયું હતું. જેના કારણે આ સ્થળ ભગવાન શિવના ભક્તો માટે પૂજનીય ગણાય છે.

5. ભડકેશ્વર મહાદેવ મંદિર, દ્વારકા

ભડકેશ્વર મહાદેવ મંદિર

દ્વારકામાં આવેલું ભગવાન શિવનું ભડકેશ્વર મહાદેવનું મંદિર 5,000 વર્ષ જૂનું છે. આ મંદિર પણ અરબ સાગરમાંથી સ્વ-પ્રગટ માનવામાં આવે છે. દર વર્ષે ચોમાસા દરમિયાન મંદિર દરિયામાં ડૂબી જાય છે. ભક્તો તેને પ્રકૃતિ દ્વારા અભિષેક થાય છે તેવુ માને છે. ભડકેશ્વર મહાદેવ મંદિર ગીતા મંદિર અને રુક્ષમ્ણી મંદિરની બિલકુલ નજીક છે. ભડકેશ્વર મહાદેવ મંદિરની અલૌકિક સુંદરતાનું વર્ણન કરવું ખૂબ જ મુશ્કેલ છે.

6. કોટેશ્વર મહાદેવ મંદિર, કચ્છ

Koteshwar-Mahadev-Temple
કોટેશ્વર મહાદેવ મંદિર

કોટેશ્વર મહાદેવ મંદિરની પૌરાણિક કથા રાવણ સાથે જોડાયેલી છે. દંતકથાઓ અનુસાર રાવણને તેની ધર્મનિષ્ઠાના ઉત્કૃષ્ટ પ્રદર્શન રૂપે ભગવાન શિવ પાસેથી વરદાન મળ્યું હતું. વરદાન રૂપે મહાન આધ્યાત્મિક શક્તિના શિવલિંગની ભેટ મળી હતી. રાવણ ઉતાવળમાં શિવલિંગ લઇને જતો હતો, ત્યારે આકસ્મિક રીતે શિવલિંગ પડી ગયું. શિવલિંગ કોટેશ્વરની જમીન પર પડ્યું હતું. રાવણની બેદરકારીની સજા રૂપે એકસરખા હજારો શિવલિંગ બની ગયા. સાચું શિવલિંગ રાવણ પારખી ન શક્યો અને બીજું શિવલિંગ લઇને ચાલ્યો ગયો. મૂળ શિંવલિંગ અહીં કચ્છમાં કોટેશ્વર મંદિર ખાતે આવેલું છે.

7. ત્રિનેતેશ્વર મહાદેવ મંદિર, તરણેતર

Trinetreshwar_Temple
ત્રિનેતેશ્વર મંદિર

ત્રિનેતેશ્વર મંદિરએ સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામમાં આવેલું છે. તેનું નિર્માણ આઠમી સદીમાં મિહિર ભોજે કરાવ્યું હતું. ત્રિનેતેશ્વર મંદિરએ ગુર્જર પ્રતિહાર શૈલીનું છે. આ મંદિરને સૌથી સુંદર ધાર્મિક સ્મારકો અને ગુજરતમાં સૌંદર્યલક્ષી શિલ્પનું શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે. મંદિરની આસપાસ ત્રણ કુંડ આવેલા છે. તેને વિષ્ણુ કુંડ, બ્રહ્મા કુંડ તથા શિવ કુંડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં ભરાતો તરણેતરનો મેળો આખા ગુજરાતમાં પ્રખ્યાત છે.

8. ગલતેશ્વર મહાદેવ મંદિર, ડાકોર

Galteshwar_temple
ગલતેશ્વર મહાદેવ મંદિર

ગલતેશ્વર મહાદેવનું મંદિર ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલું છે. આ મંદિર 12મી સદીમાં બન્યુ હોવાનું માનવામાં આવે છે. તેના સમયગાળા અને તેની બનાવટના કારણે મંદિર પ્રખ્યાત છે. તે મધ્ય ભારતીય માલવા શૈલી, ભૂમિજામાં ગુજરાતી ચૌલુક્ય સ્થાપત્યના પ્રભાવથી બાંધવામાં આવ્યું હતું. તેમાં ચોરસ ગર્ભગૃહ તેમજ અષ્ટકોણીય મંડપ છે.

9. શર્ણેશ્વર મહાદેવ મંદિર, પોલો ફોરેસ્ટ

Sharneshwar_Mahadev-1
શર્ણેશ્વર શિવ મંદિર

શર્ણેશ્વર શિવ મંદિર પોલો ફોરેસ્ટમાં આવેલું છે. આ મંદિરનું નિર્માણ 15મી સદીમાં થયું હોવાનું માનવામાં આવે છે. આ મંદિરની ફરતે એક મોટી દિવાલ આવેલી છે. જેના લીધે એવું અનુમાન કરી શકાય કે, આ મંદિરની પૂજા કદાચ ફક્ત કોઇ શાસક રાણી દ્વારા કરવામાં આવતી અથવા કદાચ ત્યાં કોઈ મહાન સંત હતા.

10. બાલારામ શિવમંદિર, પાલનુર

પાલનપુરથી થોડે દૂર ચિત્રાસણી ગામમાં આ મંદિર આવેલું છે. અહીં શિવલિંગ પર ગૌમખમાંથી જળાભિષેક થાય છે. તે જળ ક્યાંથી આવે છે તે મોટું રહસ્ય છે. અહીંનું શિવલિંગ સ્વયંભૂ શિવલિંગ છે. અહીંની દંતકથાઓ અનુસાર ભયંકર દુષ્કાળમાં લોકો અહીં નાના બાળકોને મૂકીને જતા રહ્યા હતા. માનવામાં આવે છે કે, તે સમયે કોઇ તપસ્વીએ અહીં પોતાના તપોબળથી જળ ઉત્પન્ન કર્યું અને આ જળથી બાળકોને જળપાન કરાવ્યું તથા ગાય બોલાવી બાળકોને જળ પીવડાવીને બાળકોને જીવનદાન આપ્યું હતું. તેથી તેમને બાલારામ માહદેવ કહેવામાં આવે છે.

વાંચો : માઉન્ટ આબુમાં આવેલા અચલેશ્વર મહાદેવ મંદિર વિશેની જાણકારી

વાંચો : કૃષ્ણના તેમના ભક્તો માટેના પ્રેમનો એક અદ્ભુત કિસ્સો

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.