દર વર્ષે 26મી જાન્યુઆરીએ ભારતમાં ‘પ્રજાસત્તાક દિવસ’ની ઉજવવામાં થાય છે. આ વર્ષે ગણતંત્રને 74 વર્ષ પૂર્ણ થાય છે. પરંતુ શું આપણને ગણતંત્ર કે પ્રજાસત્તાક દિવસનો અર્થ ખબર છે ? શું તમે જાણો છો કે, કેમ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ? વાંચો પ્રજાસત્તાક દિવસના ઇતિહાસ વિશે.
પ્રજાસત્તાકનો અર્થ ?
પ્રજાસત્તાક એટલે કોઇ વ્યક્તિ કે કુંટુંબ દ્વારા કરવામાં આવતું વંશપરંપરાગત શાસન નહિ, પરંતુ પ્રજાનું શાસન, પ્રજાસત્તાક દેશમાં રાજ્યવહીવટની અંતિમ સત્તા લોકોના હાથમાં જ હોય છે.
26મી જાન્યુઆરીનું મહત્તવ
ભારત માટે 26મી જાન્યુઆરી ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. કારણ કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 1930માં આ દિવસે સંપૂર્ણ સ્વતંત્રતાની જાહેર કરી હતી અને આ દિવસ ભારતના લોકોને તેમની સરકારને લોકશાહી રીતે પસંદ કરવાની તેમની શક્તિની યાદ અપાવે છે. આ રાષ્ટ્રીય તહેવાર દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે અને આ દિવસે રાષ્ટ્રીય રજા હોય છે.
પ્રથમ ગણતંત્ર દિવસની ઉજવણી
દેશમાં પ્રથમ ગણતંત્ર દિવસની ઉજવણી 26મી જાન્યુઆરી 1950ના રોજ થઇ હતી. નોંધનીય છે કે, આ દિવસથી ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. અગાઉ, બંધારણ સભાનું પ્રથમ સત્ર, 9 ડિસેમ્બર 1946ના રોજ યોજાયું હતું. તેનું છેલ્લું સત્ર 26 નવેમ્બર, 1949 ના રોજ યોજાયું હતું. ત્યારબાદ બંધારણ અમલમાં મુકવામાં આવ્યું હતું.
ધ્વજ કોણ ફરકાવે છે ?
દેશમાં પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. દેશભરમાં અનેક કાર્યક્રમો થાય છે. આ દિવસે સૌથી અદભૂત સમારોહ દિલ્હીમાં રાજપથ પર યોજાયેલી ભવ્ય પરેડ હોય છે જે ઇન્ડિયા ગેટ સુધી જાય છે. દેશના રાષ્ટ્રપતિ રાજપથ પર ધ્વજ ફરકાવે છે.
બંધારણ દિવસની ઉજવણી
ભારતને આઝાદી મળ્યા પછી બંધારણ સભાની સ્થાપના કરવામાં આવી હતી. બંધારણ સભાનું કામ 9 ડિસેમ્બર, 1946થી શરૂ થયું હતું. વિશ્વના આ સૌથી મોટા લેખિત બંધારણને તૈયાર કરવામાં 2 વર્ષ, 11 મહિના, 18 દિવસનો સમય લાગ્યો હતો. 26 નવેમ્બર 1949 ના રોજ ભારતની બંધારણ સભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સોંપવામાં આવ્યો હતો. તેથી દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
કેટલાક મહત્વના તથ્યો
26 જાન્યુઆરી 1950ના રોજ ભારત સરકારનો કાયદો પસાર કરીને ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરી 1950ના રોજ સવારે 10.18 વાગે ભારત પ્રજાસત્તાક બન્યું હતું. આના 6 મિનિટ પછી, 10.24 વાગે ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. આ દિવસે રાષ્ટ્રપતિ તરીકે પ્રથમ વખત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ બગ્ગીમાં બેસીને રાષ્ટ્રપતિ ભવનથી નીકળ્યા હતા. આ દિવસે તેમણે પ્રથમ વખત ભારતીય સશસ્ત્ર દળોને સલામી આપી હતી. તથા તેમને પ્રથમ વખત ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.