શિયાળાની ફાઇનલી શરૂઆત થઇ ગઇ છે. શિયાળાની ઋતુ એટલે ગરમ-ગરમ બાજરીના રોટલા, રીંગળનો ઓળો, લીલી હળદર, લીલાં શાકભાજી અને ફાટેલી ત્વચા. એક મિનિટ શું ? શિયાળામાં ફાટતી ત્વચા ? હા, દરેકની આ સિઝનમાં સૌથી મોટી સમસ્યા આ જ છે. તો ચાલો, જાણીએ શિયાળામાં ફાટતી ત્વચાને કઇ રીતે મુલાયમ મલાઇ જેવી કરી શકાય ?
ત્વચા કેમ ફાટે છે ?

શિયાળામાં ત્વચા ફાટવાનું મુખ્ય કારણ શુષ્ક ત્વચા છે, જે શિયાળામાં ઠંડી હવાને લીધે થાય છે. તેનાથી બચવા માટે મોઇશ્ચરાઇઝર લગાવવું જોઇએ. શુષ્ક ત્વચાને ટાળવા માટે તમે બોડી લોશન, મોશ્ચરાઇઝર વગેરેનો ઉપયો કરી શકો છો. ત્વચા વધારે પડતી જ શુષ્ક હોય તો દિવસમાં બે વાર લોશનનો ઉપયોગ કરવો જોઇએ.
ગરમ પાણીથી સ્નાન ન કરવું

શુષ્ક તવ્ચાથી બચવા માટે ગરમ પાણીથી સ્નાન ન કરવું જોઇએ. હવે, શિયાળામાં ગરમ પાણીનો ઉપયોગ ન કરીએ તો ત્વચા સારી થતાં તબિયત ખરાબ થઇ જશે. ગરમ પાણીનો ઉપયોગ કરવો પરંતુ સ્કીનને નુકશાન ન થાય તેવું નવશેકું ગરમ પાણી લેવું જોઇએ. ઉકળતાં ગરમ પાણીનો ઉપયોગ કરવો ટાળવો જોઇએ.
ભરપૂર માત્રામાં પાણી પીવું

તવ્ચાની મુલાયમતા જાળવી રાખવા માટે ભરપૂર માત્રામાં પાણી પીવું જોઇએ. ઉનાળામાં તો હાઇડ્રેશન સાથે-સાથે સ્કીનને ક્લિયર રાખવા માટે પણ પાણી પીવાનું કહેવામાં આવે છે. પરંતુ શિયાળામાં પણ શુષ્ક ત્વચાને મુલાયમ રાખવા પાણી એટલું જ મહત્વનું છે. ઘણા લોકો કહે છે કે, શિયાળામાં વધારે પાણી પીવાતું જ નથી. ત્યારે તમે તમારા મોબાઇલમાં થોડા થોડા સમય અંતરે પાણી પીવા માટેનું એક રિમાઇન્ડર લગાવી દો. ઓછામાં ઓછું 8થી 10 ગ્લાસ પાણી પીવું જ જોઇએ.
ખોરાકમાં શાકભાજી તથા ફળો

પાણી સાથે-સાથે ખોરાક પણ એટલો જ મહત્તવનો છે. ક્લિયર તથા ચમકદાર સ્કીન માટે ખોરાકમાં ફળો અને શાકભાજીનો ઉપયોગ કરવો જોઇએ. શિયાળામાં શાકભાજી પણ તાજા તથા દરેક પ્રકારના મળે છે. ત્યારે ખોરાકમાં લીલાં શાકભાજીનો ઉપયોગ વધારવો જોઇએ. તથા નારંગી, સંતરા તથા દાડમ જેવા ફળો પણ ખાવા જોઇએ.
ક્લીન્ઝિંગ મિલ્કનો ઉપયોગ

જો તમારી સ્કીન વધારે શુષ્ક થઇ ગઇ હોય તો, કોઈપણ પ્રકારની પીલીંગ, માસ્ક, આલ્કોહોલ બેસ્ડ ટોનર અથવા એસ્ટ્રિજેંટનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઇએ. આ બધી વસ્તુ ત્વચાની વધારાની ભીનાશ શોષી લે છે. તેના બદલે ક્લીન્ઝિંગ મિલ્ક અને આલ્કોહોલ રહિત ટોનરનો ઉપયોગ કરી શકાય.