હિન્દુ ધર્મમાં કાળી ચૌદસનું ખૂબ જ મહત્વ છે. દિવાળીના આગલા દિવસે એટલે કે, આસો વદ ચૌદસના દિવસે કાળી ચૌદસનો તહેવાર ઉજવાય છે. આ તહેવાર યમરાજ સમક્ષ દીવો પ્રગટાવીને તેમનામાં શ્રદ્ધા દર્શાવવા માટે ઉજવવામાં આવે છે. કાળી ચૌદસને દેશમાં અલગ-અલગ નામથી ઉજવવામાં આવે છે. કેટલાક સ્થળોએ કાળી ચૌદસને નરક ચૌદસ અથવા રૂપ ચતુર્દશી તરીકે પણ ઉજવવામાં આવે છે.
કાળી ચૌદસની પૌરાણિક કથા
રંતિ દેવ અને યમરાજ
દંતકથા મુજબ, રંતિ દેવ નામનો એક રાજા હતો. રાજા આદર્શ હતો પરંતુ અજાણતા રાજાએ કેટલાક પાપ કર્યા હતા. જેના કારણે તેને શ્રાપ મળ્યો હતો. અને તેની મૃત્યુનો સમય નજીક આવી ગયો. રાજાની પત્નીએ પોતાના પતિની રક્ષા માટે આખા મહેલમાં દીવા પ્રગટાવ્યા. તથા આભૂષણોને દરવાજા પાસે એક જગ્યાએ એકઠા કર્યા. યમદૂત સાપના રૂપમાં મહેલમાં પ્રવેશ્યા, પરંતુ પ્રકાશની ચમકથી સાપની આંખો સમક્ષ અંધકાર છવાઈ ગયો અને રાજાનો જીવ બચી ગયો હતો. ત્યારબાદ સાપે યમદૂતના રૂપમાં દર્શન આપ્યા ત્યારે રાજાએ તેમને તેના પાપ વિશે પૂછ્યું.
યમદૂતે જવાબ આપ્યો કે, એકવાર તમે તમારા દરવાજેથી એક બ્રાહ્મણને ભૂખ્યો જવા દીધો હતો. આ તમારા પાપોનું ફળ છે. રાજાએ યમરાજ પાસે પાપોમાંથી મુક્તિ મેળવવા માટે થોડો સમય માંગ્યો. યમદૂતે રાજાને એક વર્ષનો સમય આપ્યો. બીજા દિવસે રાજાએ ઋષિમુનિની પાસે જઈને પોતાની તકલીફો જણાવી અને પાપોમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય પૂછ્યો. ઋષિમુનિએ કહ્યું કે, તમે આસો વદ ચૌદસનું વ્રત કરો અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી તેમની સામે થયેલા અપરાધોની માફી માંગો. રાજાએ ઋષિમુનિએ જણાવ્યું તેમ જ કર્યું. આ રીતે રાજાને પાપોમાંથી મુક્તિ મળી અને વિષ્ણુલોકમાં સ્થાન મળ્યું. ત્યારથી કાળી ચૌદસનો તહેવાર ઉજવવામાં આવે છે.
નરકર ચતુર્થી
આ દિવસ નરક ચતુર્થી તરીકે પણ ઓળખાય છે, જેને લઇને પણ એક કથા જોડાયેલી છે. જ્યારે દ્વાપર યુગમાં નરકાસુર નામનો રાક્ષસ લોકોને હેરાન પરેશાન કરતો હતો. ત્યારે તે ઋષિમુનિઓને ત્રાસ આપતો હતો. તેને 16,100 રાણીઓને બંધક બનાવી હતી. ત્યારે તેના ભયાનક આતંકથી છુટકારો મેળવવા માટે બધા દેવતાઓ ભેગા મળીને ભગવાન કૃષ્ણ પાસે ગયા. પરંતુ નરકાસુરનું મૃત્યુ કોઈ સ્ત્રીના હાથે જ થશે તેવો તેને શ્રાપ હતો.
દેવતાઓની પ્રાર્થના સ્વીકારી ભગવાન કૃષ્ણ નરકાસુરનો વધ કરવા તેમની સાથે તેમની પત્ની સત્યભામાને લઈ ગયા હતા. એ પછી નરકાસુરનો વધ કર્યો અને તેને બંધક બનાવેલી 16,100 રાણીઓને મુક્ત કરાવી. પરંતુ રાણીઓ મુક્ત થઇ તેમને ચિંતા થવા લાગી કે, હવે તેમને સમાજમાં કોણ સ્વીકારશે ? તેઓ ક્યાં જશે ? તેમને કોણ આશ્રય આપશે ?
ત્યારે ભગવાન કૃષ્ણે 16,100 રાણીઓ સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી આ બધી રાણીઓ ભગવાન કૃષ્ણની પત્ની તરીકે ઓળખાવા લાગી. બધા દેવતાઓ પણ ખૂબ પ્રસન્ન થયા. જ્યારે નરકાસુરનો સંહાર કર્યો ત્યારે ચૌદશની તિથિ હતી. તેથી આ દિવસને નરક ચૌદશ અથવા નરક ચતુર્દશી પણ કહેવાય છે.
કકળાટ દૂર કરાય
કાળી ચૌદસના દિવસે ગૃહિણીઓ ચાર રસ્તે કે ગલીના નાકે વડા મૂકીને કકળાટ દૂર કરવાની વિધિ કરે છે. જેની પાછળ એવું કહેવાય છે કે, પરિવારમાં જે કંકાસ કે કલેહ વ્યાપી ગયો હોય તે દૂર થાય છે અને કુટુંબમાં શાંતિ થાય છે. કેટલાંક લોકો જૂનાં માટલા અને ઝાડુ પણ ચાર રસ્તા પર મૂકી આવે છે.
કાળી ચૌદસના દિવસે શું કરવું જોઇએ ?
- ઘરની સાફ સફાઈ કરવી જોઈએ.
- ઘરમાં તૂટેલી વસ્તુઓ નરકનું પ્રતીક માનવામાં આવે છે. નકામી વસ્તુઓને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ.
- સ્નાન કર્યા પછી કપાળ પર તિલક લગાવીને પૂજા કરવી જોઈએ.
- નરક ચતુર્દશીના દિવસે સાંજે 14 દીવા પ્રગટાવવાની પરંપરા છે.
- સૂર્યોદય પહેલા સ્નાન કર્યા બાદ ઘરની બહાર નાળા પાસે તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.
- સાંજે દક્ષિણ દિશા તરફ મુખ કરીને ચૌમુખ દીવો પ્રગટાવવો જોઈએ.
કાળી ચૌદસે શું ન કરવું જોઇએ ?
- ભૂલથી પણ કોઈ જીવની હત્યા ન કરવી.
- આ દિવસે દક્ષિણ દિશા ગંદી ન હોવી જોઈએ. દક્ષિણ દિશામાં ગંદકી હોવાના કારણે પૂર્વજો ક્રોધિત રહે છે.
- કાળી ચૌદસના દિવસે તલના તેલનું દાન ન કરવું જોઈએ.
- આ દિવસે સાવરણીને ભૂલીથી પણ પગ ન મારવો જોઈએ.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો.