આપણા શાસ્ત્રો અને પુરાણોમાં ધનતેરસના તહેવારને લઈને ઘણી કથીઓ જોવા મળે છે. કેટલીક વાર્તાઓ આ તહેવારની ઉજવણીની પરંપરા સાથે જોડાયેલી છે, તો કેટલીક વાર્તાઓ તેના ફાયદાઓ સાથે જોડાયેલી છે. તો જાણો તેવી અમુક પ્રકારની દંતકથાઓ વિશે.
1) સમુદ્ર મંથન
આપણા પૌરાણિક ગ્રંથોમાં રહેલી દંતકથાઓ અનુસાર, જ્યારે અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. ત્યારે તેમાંથી અનુક્રમે એક પછી એક ચૌદ રત્નો પ્રાપ્ત થયા હતા. આ પછી, જ્યારે ભગવાન ધન્વંતરિ આખરે પૃથ્વીલોકમાં પ્રગટ થયા, ત્યારે તેઓ પોતાના હાથમાં એક કળશ લઈને આવ્યા હતા. આપણા ધર્મમાં એવી પૌરાણિક માન્યતા છે કે, સમુદ્ર મંથન વખતે ભગવાન ધન્વંતરી અમૃતના કળશ સાથે પ્રગટ થયા હતા. ભગવાન ધન્વંતરીએ ભંડારમાં ભરેલા અમૃતથી દેવોને અમર બનાવી દીધા હતા. ધન્વંતરીના હાથમાં અમૃતથી ભરેલું કળશ સ્વાસ્થ્ય અને સુખનું પ્રતીક માનવામાં આવે છે. તે પ્રાપ્ત કર્યા પછી, આપણા જીવનમાંથી દુઃખો સમાપ્ત થઇ જાય છે. સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન એ જ આજના જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે. એટલા માટે દરેક વ્યક્તિ સ્વાસ્થ્ય મેળવવા માટે અલગ-અલગ ઉપાયો કરે છે. ભગવાન ધન્વંતરીને દેવતાઓના વૈદ્ય કહેવામાં આવે છે. તેમની ભક્તિ અને પૂજાથી સ્વાસ્થ્યને લાભ પ્રાપ્ત થાય છે.
2) વામન રૂપ ભગવાન વિષ્ણુ
ધનતેરસ સાથે સંબંધિત અન્ય એક દંતકથા જોડાયેલી છે. આશો વદ તેરસ એટલે કે, ધનતેરસના દિવસે ભગવાન વિષ્ણુએ અસુરોના ગુરુ શુક્રાચાર્યની એક આંખ તોડી નાખી હતી. કારણ કે, તેમના લીધે દેવતાઓના કાર્યમાં અવરોધ ઊભો થયો હતો. દંતકથા અનુસાર, સતયુગમાં ભક્ત પ્રહલાદના પૌત્ર દૈત્યરાજ બલિ હતા. રાજા બલિએ સ્વર્ગ ઉપર પોતાનો અધિકાર કરી લીધો હતો. ત્યારે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માગવા માટે પહોંચ્યા હતા. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે, હું સ્વયં દેવમાતા અદિતિને ત્યાં જન્મ લઈશ અને બધા દેવતાઓના દુઃખ દૂર કરીશ.
વિષ્ણુજીએ વામન દેવ સ્વરૂપમાં જન્મ લીધો હતો. રાજા બલિ નર્મદા નદીના કિનારે અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા. ત્યારે ભગવાન વામન તે યજ્ઞમાં પહોંચી ગયા. બાળ બ્રહ્મચારી વામન દેવને જોઈને રાજા બલિએ તેમનું સ્વાગત કર્યું અને દાન માગવા માટે કહ્યું. ત્યારે વામન ભગવાને કહ્યું કે, મને માત્ર ત્રણ પગ જમીન જોઈએ છે. રાજા બલિએ વિચાર્યું કે હું તો ત્રણ લોકનો સ્વામી છું, ત્રણ પગ જમીન તો સરળતાથી આપી શકું છું. પરંતુ અસુરોના ગુરુ શુક્રચાર્ય રાજા બલિને ના પાડી કે, વામન જે કંઈ માંગે તે આપવાનો ઇનકાર કરી દે. કરારણ કે, વામન સાક્ષાત ભગવાન વિષ્ણુ છે. તેઓ દેવતાઓને મદદ કરવા માટે તમારી પાસેથી બધું જ છીનવી લેવાનો સંપૂર્ણ પ્રયાસ કરશે.
પરંતુ રાજા બલિએ વામનને ત્રણ પગ જમીન આપવાનું વચન આપી દીધું. ત્યારે રાજા સંકલ્પ મૂકવા માટે પોતાના કમંડળમાંથી પાણી લેવા ગયા. ત્યારે શુક્રાચાર્ય તરત જ નાનું રુપ ધારણ રીને કમંડળમાં બેસી ગયા. જેથી તેમાંથી પાણી બહાર ન આવે. પરંતુ ભવાન વામન તેમની યુક્તિ સમજી ગયા. અને તેથી ભગવાન વામને કુશની સાંઠકડી લઈને કમંડળમાં એવી રીતે રાખી કે, શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્ય તરફડીને કમંડળમાંથી બહાર નીકળી આવ્યા. અને રાજા બલિએ સંકલ્પ લઈને ત્રણ ડગ જમીન દાન કરી દીધી. ત્યારબાદ ભગવાન વામને પોતાના એક પગથી પૃથ્વી અને બીજામાં આકાશ માપી લીધું. હવે ત્રીજો પગ રાખવાની જગ્યા જ ન હતી. ત્યારે રાજા બલિએ કહ્યું કે, ત્રીજો પગ તમે મારા માથા ઉપર રાખી શકો છો. વામન દેવે ત્રીજો પગ બલિના માથા ઉપર રાખ્યો અને તે પાતાળમાં જતો રહ્યો. ભગવાન વામન તેની દાનવીરતાથી પ્રસન્ન થયા અને તેને પાતાળનો સ્વામી બનાવી દીધો.
3) લક્ષ્મીજી અને ખેડૂત
એક સમયે ભગવાન વિષ્ણુ મૃત્યુ લોકનું ભ્રમણ કરવા આવી રહ્યા હતા. ત્યારે લક્ષ્મીજીએ પણ તેમની સાથે આવવા માટે વિનંતી કરી. તો ભગવાન વિષ્ણુએ કહ્યું કે, જો હું જે કહું તે સ્વીકારી લે તો તે મૃત્યુ લોકમાં ચાલશે. લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુની વાતનો સ્વીકાર કર્યો. આ પછી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી પૃથ્વી પર આવ્યા. થોડા સમય પછી ભગવાન વિષ્ણુએ એક જગ્યાએ લક્ષ્મીને કહ્યું કે, જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી તમે અહીં જ રહો. આ દરમિયાન હું દક્ષિણ દિશા તરફ જઈ રહ્યો છું, તમે ત્યાં ન જુઓ.
ભગવાન વિષ્ણુના જતા સમયે લક્ષ્મીજીને ઉત્સુકતા થઈ કે, આખરે દક્ષિણ દિશામાં એવું તો શું છે કે, ભગવાન પોતે મને ત્યાં આવવવાની ના પાડીને ગયા. દક્ષિણમાં ચોક્કસપણે કોઇ રહસ્ય છે. આ વાતથી લક્ષ્મીજી બેચેન થવા લાગ્યા. ભગવાને જેવા ચાલવા લાગ્યા કે, લક્ષ્મીજી પણ તેમની પાછળ પાછળ આવ્યા. દૂરથી સરસવનું ખેતર દેખાતું હતું. ખેતરમાં ઘણા બધા ફૂલો હતા. તે સરસવના ફૂલોની સુંદરતાથી મોહિત થઈ ગયા હતા. તેથી તેમના ફૂલોને તોડીને પોતાનો શૃંગાર કર્યો. જ્યારે તેઓ તેની આગળ ગયા. ત્યારે તેમણેને શેરડીનું ખેતર દેખાયું. લક્ષ્મીજીએ 4 શેરડી લીધી અને તેનો રસ ચૂસવા લાગ્યા. તે જ ક્ષણે વિષ્ણુજી આવ્યા અને આ જોઈને લક્ષ્મીજી પર નારાજ થને તેમને શ્રાપ આપ્યો. ભગવાને કહ્યું કે, તમે ખેડૂતનો સામાન ચોરવાનો ગુનો કર્યો છે. હવે તમારે 12 વર્ષ સુધી તે ખેડૂતની સેવા કરવી પડશે. તે તમારી સજા હશે. એમ કહીને ભગવાન એમને છોડીને ચાલ્યા ગયા. લક્ષ્મીજી ખેડૂતના ઘરમાં રહેવા લાગ્યા. તે ખેડૂત ખૂબ જ ગરીબ હતો.
લક્ષ્મીજીએ ખેડૂતની પત્નીને કહ્યું કે, સ્નાન કર્યા બાદ તમારે મારા દ્વારા બનાવેલી દેવીની પૂજા કરવી અને પછી ઘરના કામકાજ કરવા. આમ કરવાથી તમને ઈચ્છિત પરિણામ મળશે. ખેડૂતની પત્નીએ લક્ષ્મીજીના કહ્યા મુજબ, તમામ કામ કર્યા. પૂજાની અસર અને લક્ષ્મીજીની કૃપાથી ખેડૂતનું ઘર બીજા જ દિવસથી અન્ન, ધન, રત્ન, સોનું વગેરેથી ભરાઈ ગયું. લક્ષ્મીજીએ પૈસા અને અનાજથી ખેડૂતને પૂર્ણ કર્યો. ખેડૂતના 12 વર્ષ ખૂબ જ આનંદમંય વિત્યા. 12 વર્ષ પછી લક્ષ્મીજી જવા માટે તૈયાર થયા.
12 વર્ષ પછી ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને લેવા આવ્યા ત્યારે ખેડૂતે તેમને મોકલવાની ના પાડી દીધી. લક્ષ્મીજી પણ ખેડૂતની સંમતિ વિના જવા તૈયાર ન હતા. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ એક યુક્તિ કરી. જે દિવસે વિષ્ણુ લક્ષ્મીને લેવા આવ્યા તે દિવસે વરૂણીનો તહેવાર હતો. તેથી, ભગવાને ખેડૂતને વરૂણી પર્વનું મહત્વ સમજાવતા કહ્યું કે, તમે તમારા પરિવાર સાથે ગંગામાં સ્નાન કરો અને મારા દ્વારા આપેલો કળશને પાણીમાં છોડી દો. જ્યાં સુધી તું પાછો નહીં આવે ત્યાં સુધી હું લક્ષ્મીજીને લઈ જઇશ નહિ.
પરિવાર ગંગામાં સ્નાન કરવા ગયો. જેવા તેણે ગંગામાં શંખ નાખ્યા, તેવા ગંગામાંથી ચાર હાથ બહાર આવ્યા અને તે શંખ લીધા. ત્યારે ખેડૂતને આશ્ચર્ય થયું કે તે કોઈ દેવી છે. ખેડૂતે ગંગાજીને પૂછ્યું કે, હે માતા ! આ ચાર હાથ કોના છે ? ત્યારે ગંગાજીએ કહ્યું કે, આ ચાર હાથ મારા છે. પછી ગંગાજીએ પૂછ્યું, તમે જે શંખ આપ્યાછે તે તમને ક્યાંથી મળ્યા ? તેના પર ખેડૂતે કહ્યું કે, ‘મારા ઘરે એક મહિલા આવી છે, તેણે આ શંખ આપ્યા છે. ત્યારે ગંગાજીએ કહ્યું કે, જે સ્ત્રી તમારા ઘરમાં આવીને રહી છે. તે બીજું કોઈ નહિ પણ દેવી લક્ષ્મી છે. અને તે પુરુષ ભગવાન વિષ્ણુ છે. લક્ષ્મીજીને જવા ન દો, નહિ તો તમે ફરીથી ગરીબ થઈ જશો. આ સાંભળીને ખેડૂત ઘરે પાછો ફર્યો. ત્યાં લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુ જવા માટે તૈયાર બેઠા હતા. ખેડૂતે લક્ષ્મીજીનો ખોળો પકડીને કહ્યું ; ‘માઁ, હવે હું તમને જવા દઇશ નહિ. ત્યારે ભગવાને ખેડૂતને કહ્યું, ‘માઁ લક્ષ્મીને તો કોણ જવા દે છે, પણ તેઓ ચંચળ છે, તેઓ ક્યાંય રહેતા નથી, નાના, મોટા કોઇ તેમને રોકી શક્યા નથી. તમે પણ તેમને રોકી શકશો નહિ.
મારા શ્રાપને કારણે તેમને 12 વર્ષ તમારી સાથે રહેવું પડ્યું હતું. તમારી સેવાના 12 વર્ષ પૂર્ણ થયા છે. આ પછી, ખેડૂતે જીદ્દ કરીને કહ્યું કે, તે લક્ષ્મીજીને કોઈ પણ સંજોગોમાં જવા દેશે નહિ. તમે અહીંથી બીજા કોઈને પણ લઈ જઈ શકો છો. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું, હે ખેડૂત ! તમે મને રોકવા માંગો છો, માટે હું તમને કહું તે કરો. આવતીકાલે તેરેસ છે. આ દિવસોમાં હું તમારા માટે ધનતેરસ ઉજવીશ.
તમે તમારા ઘરને આવતીકાલે એકદમ સ્વચ્છ રાખજો. રાત્રે ઘીનો દીવો પ્રગટાવવો જો. તથા સાંજે મારી પૂજા કરજો અને તાંબાના ભંડારમાં પૈસા રાખજો. તો એ ભંડારમાં હું નિવાસ કરીશ. પણ પૂજાના સમયે હું તમને દેખાઈશ નહિ. આ દિવસે પૂજા કરવાથી હું આખું વર્ષ તમારું ઘર છોડીને જઇશ નહિ. જો મને હંમેશા માટે રાખવી હોય તો દર વર્ષે આ જ રીતે મારી પૂજા કરજો. આટલું કહીને માતા લક્ષ્મી દીવાઓના પ્રકાશ સાથે દસે દિશાઓમાં ફેલાઈ ગયા. બીજે દિવસે ખેડૂતે લક્ષ્મીજીની કથા પ્રમાણે પૂજા કરી. તેનું ઘર સંપત્તિથી ભરેલું હતું તે જ રીતે રહ્યું. તેમણે દર વર્ષે તેરસના દિવસે લક્ષ્મીજીની પૂજા કરવાનું શરૂ કર્યું. ત્યારથી ધનતેરસના દિવસે માઁ લક્ષ્મીની પૂજાની શરૂઆત થઈ હતી.
4) યમની ઉપાસના
આપણા શાસ્ત્રોમાં ધનતેરસની પૂજા વિશે કહેવામાં આવ્યું છે કે, જે પરિવારોમાં ધનતેરસના દિવસે યમરાજ માટે દીવાનું દાન કરે છે ત્યાં અકાળ મૃત્યુ થતું નથી. આ દિવસે યમ માટે લોટનો દીવો બનાવીને ઘરના મુખ્ય દ્વાર પર રાખવામાં આવે છે. આ દીવાને ‘જમ કા દિયા’ એટલે કે ‘યમરાજનો દીવો’ કહેવામાં આવે છે.
રાત્રે ઘરની મહિલાઓ દીવામાં તેલ નાખીને રૂનો દીવો બનાવીને ચાર દીવા પ્રગટાવે છે. દીવાને દક્ષિણ દિશામાં રાખીને પ્રગટાવવામાં આવે છે. આ સાથે મહિલાઓ પાણી, કંકુ, ફૂલ, ચોખા, ગોળ, નૈવેદ્ય વગેરેથી યમની પૂજા કરીને દીવો પ્રગટાવે છે. મૃત્યુના નિયંત્રક ભગવાન યમરાજ માટે આ દીવો પ્રગટાવવામાં આવે છે. તેથી દીવો પ્રગટાવતી વખતે તેમને સંપૂર્ણ ભક્તિ સાથે પ્રણામ કરવા જોઈએ. આ સાથે જ એ પણ પ્રાર્થના કરવી જોઈએ કે હે યમદેવ, તમે અમારા સમગ્ર પરિવાર પર કૃપા કરો અને અમારા પરિવારમાં કોઈનું પણ અકાળ મૃત્યુ ન થાય.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.