સત્યા અને વામનને કેમ માં પાર્વતીએ વ્રત કરવાનું કહ્યું ?
એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતાં. બ્રાહ્મણનું નામ વામન બ્રાહ્મણીનું નામ સત્યા હતું. બંન્ને જણા પ્રભુની ભક્તિ કરતા અને નીતિમાન હતા. તેમના આંગણેથી કોઇ ભૂખ્યું પાછું જતું નહિ.
અખૂટ ધન-સંપત્તિ હોવા છતાં તેમનામાં જરાય અભિમાન ન હતું. તેમને દરેક જાતનું સુખ હોવા છતાં સંતાનની ખોટ હતી.
એક દિવસ ફરતા-ફરતા તેમને ત્યાં નારદજી આવી પહોંચ્યા. બ્રાહ્મણે તેમનો ભાવપૂર્વક આદર-સત્કાર કર્યો, બ્રાહ્મણીએ ફળફળાદિ નારદજીની આગળ ધર્યાં.
નારદજીએ પૂછ્યું – કેમ કુશળ તો છો ને ?
વામને કહ્યું – હા મુનિરાજ ! આપની કૃપાથી દરેક વાતનું સુખ છે, પણ… (બોલતાં બોલતાં બ્રાહ્મણ અચકાઇ ગયો)
નારદજીએ કહ્યું – પણ શું ? જે કંઇ ઇચ્છા હોય તે નિસંકોચ થઇને કહો.
વામને કહ્યું – મુનિરાજ ! બીજી તો કોઇ જ ઇચ્છા નથી પરંતુ સંતાનની ખોટ છે. એનો કોઇ ઉપાય હોય તો કૃપા કરીને બતાવો.
નારદજીએ કહ્યું – અહીંથી દક્ષિણમાં જાઓ. ત્યાં એક અપૂજ શિંવલિંગ છે. ઘણા વર્ષોથી તેની કોઇ પૂજા કરતું નથી. ત્યાં જઇને તમે શિવ-પાર્વતીની નિષ્ઠાપૂર્વક સેવા કરો. દિનદયાળુ સદાશિવ તમને અવશ્ય સંતાન આપશે. એમ કહીને નારદજી ત્યાંથી ચાલ્યા ગયા.
નારદજીના કહ્યા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહમણી દક્ષિણ દિશાએ ચાલી નીકળ્યાં. ઘોર વનવગડામાં ભૂખ્યાં અને તરસ્યાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચાલ્યાં જાય છે. પણ ક્યાંય માહદેવજીનું મંદિર દેખાતું નથી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી થાકીને લોથપોથ થઇ ગયાં અને એક ઝાડ નીચે બેસી ગયા. ત્યાંથી સત્યાએ એક મોટો ટેકરો દેખાયો.
સત્યાએ કહ્યું – નાથ ! જુઓ પેલો ઉંચો ટેકરો. એ જ મંદિર હોવું જોઇએ. એમ કહીને બંન્ને આગળ વધ્યાં.
જેમ-જેમ આગળ વધવાં લાગ્યા તેમ-તેમ તેમને ટેકરા પર મંદિર દેખાવા લાગ્યું. મંદિર જોતાં જ બંન્નેનો થાક ઉતરી ગયો. તેઓ ટેકરા તરફ ઝડપથી ચાલવા લાગ્યા.
ત્યાં એક ભવ્ય શિવમંદિર હતું. બન્નેના હ્રદયમાં હરખ સમાતો ન હતો. તેમણે તો મંદિરમાં પડેલા પાંદડા, ઘાસ, ઝાખરાં, ધૂળ વાળીઝૂડીને સ્વસ્છ કર્યું. સત્યા પાસેની નદીમાંથી પાણી ભરી લાવી અને શિવ-પાર્વતીને સ્નાન કરાવ્યું. વામને પ્રદક્ષિણા કરીને બીલીપત્રો ચડાવ્યાં.
ત્યારબાદ નિયમિતપણે માહદેવ-પાર્વતીની સેવા કરવા લાગ્યાં. બીલીનાં ઝાડ પાસે જ હતા. તેથી બ્રાહ્મણી રોજ ત્યાંથી બીલીપત્રો તોડી લાવતી હતી. પરંતુ ફૂલ લાવવા બ્રાહ્મણને દૂર જવું પડતું હતું. આ પ્રમાણે પાંચ વર્ષ વીતી ગયાં છતાં ભગવાન પ્રસન્ન ન થયાં.
આજે બ્રાહ્મણ વનમાં ફૂલ લેવા ગયો હતો. ઘણો સમય વીતી ગયો પરંતુ બ્રાહ્મણ પાછો આવ્યો ન હતો. સત્યાને પતિની ચિંતા થવા લાગી હતી. તેના મનમાં અનેક પ્રકારની શંકાઓ થવા લાગી. સત્યા રાહ જોઇ-જોઇને થાકી ગઇ. છેવટે પોતે જ પતિને શોધવા નીકળી.
વન બિહામણું હતું. ઠેર-ઠેર વાઘ, સિંહ અને રીંછોના ભયંકર ઘુઘવાટા સંભળાતા હતા. બ્રાહ્મણી ગભરાતી ગભરાતી શિવ-પાર્વતીનું રટણ કરતી ચાલતી હતી.
અચાનક તેની નજર એક ઝાડ નીચે ગઇ. તે જુએ છે તો ત્યાં તેનો પતિ બેભાન અવસ્થામાં પડેલો હતો. પગના અંગૂઠેથી લોહી નીકળતું હતું. તેટલામાં તેને એક કાળા નાગને ફૂંફાડા મારતા જતો જોયો. બ્રાહ્મણી તો ચચાનક ચીસ પાડીને ઢળી પડી.
થોડીવારે તેને મૂર્છા વળી, ત્યાં તો તેણે માથે વેણી બાંધેલી, કપાળે આડ્ય કરેલી અને સોળે શણગારે સજેલાં માતા પાર્વતીને જોયા. જોતાં જ તે નમી પડી.
આશીર્વાદ આપતાં પાર્વતી બોલ્યાં – હે બ્રાહેમણી, તું ચિંતા ના કરીશ. એમ કહીને તેમણે વામનના શરીરે પોતાનો અમૃત સમાન હાથ ફેરવ્યો. બ્રાહ્મણ તો આળસ મરડીને ઉભો થયો. બ્રાહ્મણ અને બ્રાહ્મમી માતાજીના ચરણે નમી પડ્યા.
પાર્વતા બોલ્યાં – તમારી અનન્ય ભક્તિ અને શ્રદ્ધાથી હું પ્રસન્ન થઇ છું. જે જોઇએ તે માંગો.
બ્રાહ્મણ બોલ્યો – ભગવતી ! મારે બીજું કાંઇ જોઇતું નથી. મારે માત્ર એક સંતાનની ખોટ છે. એનો કોઇ ઉપાય બતાવો.
પાર્વતી બોલ્યા – તમે જયા-પાર્વતીનું વ્રત કરો તો તમને સંતાન થશે.
સત્યાએ પૂછ્યું – માતાજી ! આ વ્રત કઇ રીતે થાય ?
પાર્વતી બોલ્યાં – આ વ્રત અષાઢની અજવાળી તેરશે શરુ થાય અને અંધારી ત્રીજે પૂર્ણ થાય છે. વ્રત કરનારે પાંચે દિવસ ગોળ અને મીઠા વિનાનું મોળું એકટાણું જમવું. પહેલાં પાંચ વર્ષ માત્ર જુવાર ખાઇને, પછીના પાંચ વર્ષ મીઠા વિનાનું ખાઇને, ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાઇને અને ચોથા પાંચ વર્ષ મગ ખાઇને વ્રત કરવું. છેલ્લા દિવસે જાગરણ કરવું. જ્યારે વીસ વર્ષ પૂરાં થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વેળાએ સૌભાગ્યવતી સ્ત્રીને પતિ સહિત પોતાને ત્યાં નોતરી ભાવપૂર્વક જમાડવાં. કંકુમ, કાજળ વગેરે સૌભાગ્ય દ્રવ્યો દાનમાં આપવા. આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પતિનો વિયોગ તેને ક્યારેય ભોગવવો પડતો નથી. સંતાનની પ્રાપ્તિ થાય છે અને અખંડ સુખ મળે છે.
આમ કહીને પાર્વતી અંતરધાન થયા.
બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થતાં ઘરે ગયાં. બીજે વર્ષે બ્રાહ્મણીએ જયા-પાર્વતીનું વ્રત આરંભ્યું. થોડા સમયમાં તેને દેવ જેવો દીકરો અવતર્યો.
એમને જયા-પાર્વતીના વ્રતનું ફળ મળ્યું એવું સૌને મળજો.
વાંચો: જાણો ગૌરીવ્રત કેમ અને કેવી રીતે કરવું જોઇએ ?
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.