8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે આપણે દરેક આ દિવસ તો ઉજવીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે, આ દિવસ કેમ ઉજવાય છે? તથા મહિલા દિવસ ઉજવવાની શરુઆત ક્યારથી થઇ? અને આ દિવસ આંતરરાષ્ટ્રીય દિવસ કઇ રીતે બન્યો? તો જાણવા માટે વાંચો….
કામદારોના આંદોલન
અંદાજે 100 વર્ષથી વધુ સમયથી સમગ્ર વિશ્વમાં લોકો 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરુઆત 1910માં ક્લેરા જેટકીન નામના મહિલાએ કરી હતી. નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો જન્મ કામદારોના આંદોલનથી થયો હતો. જેને પાછળથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વાર્ષિક ઉજવણી તરીકે માન્યતા આપવામાં આવી હતી.
ક્લેરા ઝેટકી
આ દિવસને ખાસ બનાવવાની શરૂઆત 115 વર્ષ પહેલાં એટલે કે 1908માં થઈ હતી. જ્યારે લગભગ પંદર હજાર મહિલાઓએ ન્યૂયૉર્કમાં એક પરેડ કાઢી હતી. તેમની માંગ હતી કે, મહિલાઓના કામના કલાકો ઘટાડવા જોઈએ. તથા મહિલાઓનો પગાર સારો હોવો જોઈએ અને મહિલાઓને પણ મતદાનનો અધિકાર મળવો જોઈએ. આ ઘટનાના 1 વર્ષ પછી અમેરિકાની સમાજવાદી પાર્ટીએ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવાની જાહેરાત કરી હતી. તેને આંતરરાષ્ટ્રીય બનાવવાનો વિચાર સૌપ્રથમ ક્લેરા ઝેટકીન નામના મહિલાના મનમાં આવ્યો હતો.
પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
ક્લેરા ડાબેરીએ કાર્યકર હતા. તેઓ મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવતા હતા. તેમણે ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં કાર્યકારી મહિલાઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં 1910માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનું સૂચન કર્યું હતું. આ પરિષદમાં 17 દેશોમાંથી 100 મહિલાઓ સામેલ થયા હતા. તેમણે સર્વાનુમતે ક્લેરાના સૂચનને સ્વીકારી લીધું હતું. પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 1911માં ઑસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેંન્ડમાં ઉજવવામાં આવ્યો હતો.
1996ની થીમ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ઔપચારિક રીતે 1975માં માન્યતા આપવામાં આવી હતી. જ્યારે સંયુક્ત રાષ્ટ્રે પણ તેની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. આ માટે સૌપ્રથમ થીમ યુનાઈટેડ નેશન્સ દ્વારા 1996માં પસંદ કરવામાં આવી હતી. જેનું નામ હતું ‘સેલેબ્રેટિંગ ધ પાસ્ટ ઍન્ડ પ્લાનિંગ ફૉર ફ્યૂચર’ અર્થાત કે વીતી ગયેલા સમયની ઉજવણી અને ભવિષ્યની યોજના બનાવવી.
મહિલા દિવસનો મૂળ હેતુ
અત્યારના સમયમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સમાજમાં, રાજકારણમાં અને આર્થિક ક્ષેત્રમાં મહિલાઓની પ્રગતિની ઉજવણી કરવાનો દિવસ બની ગયો છે. જ્યારે તેની પાછળનો મૂળ હેતુ હડતાલ પાડીને અને વિરોધ પ્રદર્શનો કરીને મહિલાઓ અને પુરુષો વચ્ચેની અસમાનતા વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
મહિલાઓની ‘બ્રેડ ઍન્ડ પીસ’ની માંગણી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 1917માં નક્કી કરવામાં આવ્યો હતો. જ્યારે રશિયાની મહિલાઓએ ‘બ્રેડ ઍન્ડ પીસ’ની માંગણી સાથે ઝારના શાસન વિરુદ્ધ હડતાલ કરી હતી. ત્યારબાદ ઝાર નિકોલસ દ્વિતિયે તેમની ગાદી છોડવી પડી હતી. તે પછી રચાયેલી કામચલાઉ સરકારે મહિલાઓને મતદાનનો અધિકાર આપ્યો હતો.
મહિલા દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?
ઘણા દેશોમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રાષ્ટ્રીય રજા હોય છે. આ દેશોમાં રશિયાનો પણ સમાવેશ થાય છે. જ્યાં 8 માર્ચની આસપાસ 3થી 4 દિવસમાં ફૂલોનું વેચાણ બમણું થઈ જાય છે. ચીનમાં નેશનલ કાઉન્સિલના સૂચન પર ઘણી મહિલાઓને 8 માર્ચે અડધા દિવસની રજા આપવામાં આવે છે. ઇટાલીમાં 8 માર્ચે મહિલાઓને મિમોસાના ફૂલો આપીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. અમેરિકામાં માર્ચ મહિનામાં દર વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા એક જાહેરાત કરવામાં આવે છે. જેમાં અમેરિકન મહિલાઓની સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવે છે.
મહિલા દિવસ કેમ જરૂરી છે?
લોકો માને છે કે, હવે મહિલાઓ પુરુષ સમોવડી બની ગઇ છે. હજી મહિલા દિવસ મનાવવો કેમ જરૂરી છે ? ત્યારે છેલ્લા 2 વર્ષ દરમિયાન જ અફઘાનિસ્તાન, ઈરાન, યુક્રેન અને અમેરિકા જેવા ઘણા દેશોમાં મહિલાઓ તેમના દેશોમાં યુદ્ધ, હિંસા અને નીતિ પરિવર્તન વચ્ચે તેમના અધિકારો માટે લડી રહી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર પાછા ફરવાથી માનવ અધિકારોની પ્રગતિ અટકી ગઈ છે. કારણ કે, મહિલાઓ અને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા પર રોક લગાવવામાં આવી રહી છે. તેઓને ઘરની બહાર કામ કરવા અને પુરૂષ સંરક્ષક વિના લાંબા અંતરની મુસાફરી કરવા પર પ્રતિબંધ છે. તાલિબાને મહિલાઓને ઘરની બહાર અથવા અન્ય લોકોની સામે પોતાનો આખો ચહેરો ઢાંકવાનો આદેશ આપ્યો છે.
મહિલા દિવસ થીમ
આ વર્ષે મહિલા દિવસની થીમ “ઇન્સ્પાયર ઇન્ક્લુઝન” છે, જે એવી દુનિયા માટે હાકલ કરે છે. જ્યાં દરેકને સમાન અધિકાર અને સન્માન મળે.