સવારના નાસ્તામાં ગુજરાતીઓએ બટાકા પૌવા તો ખૂબ જ ખાધા હશે. પરંતુ આજે આપણે કંઇક અલગ રીતે બનતા ઇંદોરમાં પ્રખ્યાત એવા બાફેલા પૌવા તથા તેમાં વપરાતો જીરાવન માસાલો બનાવવાની રીત વિશે જાણીશું.
પૌવા બનાવાની સામગ્રી
3 કપ પૌવા
મીઠું સ્વાદાનુસાર
2 ચમચી ખાંડ
1/2 લીંબુનો રસ
1 ચમચી હળદર
2 ચમચી
1/2 ચમચી રાઇ
1/2 ચમચી જીરું
1 ચમચી વરિયાળી
2થી 3 સમારેલા લીલા મરચાં
1 ચપટી હિંગ
પૌવા બનાવવાની રીત
મોટા વાસણમાં પાણીને ઉકાળવા મૂકી દો.
એક કાણાવાળા વાસણમાં 3 કપ જેટલા પૌવા લઇ લો. તેની અંદર ધીમે-ધીમે પાણી નાખીને તેને સારી રીતે ધોઇ લો. પૌવાને હલકાં હાથે ધોવા જોઇએ. પૌવામાંથી સંપૂર્ણ પાણી કાઢી લો.
પૌવાની અંદર સ્વાદાનુસાર મીઠું ઉમેરો. 2 ચમચી ખાંડ અને 1/2 લીંબુનો રસ તથા 1/2 ચમચી હળદર ઉમેરો. પૌવાને ચમચી વડે મિક્સ કરો. તે ધ્યાન રહે કે મિક્સ કરતાં પૌવા તૂટે નહિ, તથા દરેક વસ્તુ સારી રીતે મિક્સ થઇ જાય.
એક કડાઇમાં 2 ચમચી તેલ લો. હવે તેમાં 1/2 ચમચી રાઇ, 1/2 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી, 2થી 3 સમારેલા લીલા મરચાં, ચપટી હિંગ અને 1/2 ચમચી હળદર નાખો. મસાલો થોડો શેકાવા દઇને તરત જ તેને પૌવામાં નાખો. તેને પૌવામાં નાખ્યા બાદ સારી રીતે પૌવા હલાવીને મિક્સ કરી દો.
ઉકાળવા મૂકેલા પાણીમાં પૌવાને કાણાવાળા વાસણમાં જ પાણીને પૌવા અડે નહિ તેમ મૂકી દો. પૌવાને વરાળમાં બાફવા દો. ગેસની આંચ એકદમ મીડિયમ રાખો. પૌવાને 8થી 10 મિનિટ બફાવવા દો. 8થી 10 મિનિટમાં તમારા પૌવા તૈયાર થઇ જશે.
પૌવાને એક પ્લેટમાં કાઢીને તેના પર જીરાવન મસાલો ભભરાવો. પૌવા પર તમે રતલામી સેવ અથવા કોઇ પણ ફરસાણ નાખી શકો છો. પૌવા પર જીણી સમારેલી ડુંગળી અને દાડમ નાખીને તને સર્વ કરો.
જીરાવન મસાલો બનાવા સામગ્રી
1 ચમચી જીરું
1 ચમચી આખા ધાણા
2 ચમચી વરિયાળી
1/2 ઇંચ તજનો ટુકડો
1/4 ચમચી આખા મરી
7થી 8 લવિંગ
2થી 3જેટલા તેજ પત્તા
1/2 જાયફળ
1/4 ચમચી સૂંઢ
2 ચમચી આમચૂર પાવડર
1 ચમચી કાળું મીઠું
1 ચમચી તીખું લાલ મરચું પાવડર
1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
1/2 ચમચી મીઠું
1/2 ચમચી હળદર
1 ચપટી હીંગ
1 ચમચી ખાંડ
જીરાવન મસાલો બનાવની રીત
એક કડાઇ લો. તેને ગેસ પર મૂકીને સારી રીતે ગરમ થવા દો. તે ગરમ થઇ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી જીરું, 1 ચમચી આખા ધાણા, 2 ચમચી વરિયાળી, 1/2 જેટલો તજનો ટુકડો, 1/4 ચમચી આખા મરી, 7થી 8 લવિંગ તથા 2થી 3જેટલા તેજ પત્તા ઉમેરી દો.
આ મસાલાને ધીમા તાપે ત્યાં સુધી ગરમ કરો. જ્યાં સુધી તેમાં સુગંધ આવવાની શરુ ન થઇ જાય. જ્યારે મસાલા સારી રીતે શેકાઇ જાય ત્યારે તેને એક બાઇલમાં લઇ લો. બાઉલમાં લીધા બાદ તેમાં અડધું જાયફળ છીણીને ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરી દો. હવે, તેને ઠંડા થવા દો.
મસાલો ઠંડો થયા પછી તેને મિક્સર જારમાં લઇ લો. હવે, તેમાં 1/4 ચમચી સૂંઢ, 2 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી કાળું મીઠું, 1 ચમચી તીખું લાલ મરચું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, એક ચપટી હીંગ તથા 1 ચમચી ખાંડ નાંખો. હવે, તેને પાવડર સ્વરૂપમાં સારી રીતે પીસી લો. મસાલા પીસાઇ ગયા બાદ તમારો જીરાવન માસાલો તૈયાર છે.