ભારતમાં સૌથી વધુ લોકપ્રિય રમત ક્રિકેટને માનવામાં છે. અહીં તમે કોઇ પણ બાળકને ઉભા રાખીને પૂછશો કે કઇ રમત રમવી ગમે છે ? મોટાભાગના બાળકોનો જવાબ ક્રિકેટ જ હશે. જ્યારે તેમને પૂછવામાં આવશે કે, ફેવરેટ ક્રિકેટર કોણ છે ? તો જવાબ મળશે. સચિન, કપિલ દેવ, ધોની વગેરે.

આ જવાબોમાં તમને કોઇ મહિલા ક્રિકેટરનું નામ સાંભળવા ભાગ્યે જ મળશે. થોડા વર્ષો પહેલાં તો સ્થિતિ એવી હતી કે, લોકો પૂછતા મહિલાઓની ક્રિકેટ ટીમ પણ છે ? ચાલો, જાણીએ આપણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સફર વિશે…

મહિલાઓ દ્વારા ક્રિકેટની શરુઆત

મહિલાઓ દ્વારા ક્રિકેટ રમવાની શરુઆત ૭૦ના દાયકામાં થઇ હતી. શરૂઆતમાં તેઓ વિવિધ સ્થળોએ ક્રિકેટ રમતા હતા. પરંતુ તેમની માટે આ રમતનું કોઇ ચોક્કસ આયોજન કરવામાં આવ્યું ન હતું. ભારતમાં સત્તાવાર રીતે મહિલા ક્રિકેટની શરૂઆત 1973માં થઇ હતી. જ્યારે ફાઉન્ડર સેકરેટરી મહેન્દ્રકુમાર શર્માએ બેગમ હમીદા હબીબુલ્લાહના પ્રમુખપદ હેઠળ 1973માં લખનઉ ખાતે સોસાયટીઝ એક્ટ હેઠળ વિમેન્સ ક્રિકેટ એસોસિએશન ઓફ ઇન્ડિયાની નોંધણી કરાવી હતી.

વાંચો : ફાટી ગયેલા કે ક્ષતિગ્રસ્ત રાષ્ટ્રધ્વજનું શું કરવુ ?

પ્રથમ મહિલા આંતર-રાજ્ય મેચ

સત્તાવર થયાના શરુઆતના ત્રણ વર્ષમાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી. મહિલા ક્રિકેટરો વર્ષના નવ મહિના ક્રિકેટ રમવામાં જ વ્યસ્ત રહેતી હતી. પ્રથમ મહિલા આંતર-રાજ્ય મેચ એપ્રિલ, 1973માં પૂણેમાં યોજાઇ હતી. જેમાં માત્ર ત્રણ ટીમોએ ભાગ લીધો હતો. મુંબઇ, મહારાષ્ટ્ર અને યુપી. બીજી મેચ ૧૯૭૩ના અંતમાં વારાણસીમાં યોજાઇ હતી. અહીં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો. કોલકત્તામાં ત્રીજી ચેમ્પિયનશિપ યોજાઇ હતી. અહીં ટીમની સંખ્યા વધીને 14 થઇ ગઇ હતી. ત્યારબાદ દરેક રાજ્યે ભાગ લીધો હતો.

રેલ્વે અને એર ઈન્ડિયાએ પણ અલગ ટીમ બનાવી

રેલ્વે અને એર ઈન્ડિયાએ પણ તેમના મહિલા કર્મચારીઓની અલગ ટીમ બનાવીને ભાગ લેવાનો શરુ કરી દીધો હતો. શરૂઆતમાં, આ મેચ તમામ રાજ્યો દ્વારા રમાતી હતી. પરંતુ આ ફોર્મેટમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. આ મેચ દરેક ઝોનમાં આંતર-રાજ્ય મેચ રમવાની શરુ થઇ. દરેક ઝોનના વિજેતાઓ અને રનર્સ અપને નેશનલ્સમાં રમવા માટે ક્વોલિફાય થાય છે.

1974માં રાની ઝાંસી ટ્રોફી યોજાઇ

થોડા સમયમાં અન્ય ટુર્નામેન્ટો પણ શરૂ કરવામાં આવી. જેમકે, ધ રાની ઝાંસી ટ્રોફી 1974માં કાનપુર ખાતે યોજાઈ હતી. 1974માં જ રાજકોટ ખાતે આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સબ જુનિયર અને જુનિયર ટુર્નામેન્ટનું આયોજન અંડર-15 અને અંડર-19ના ખેલાડીઓ માટે કરવામાં આવ્યું હતુ. દરેક ઝોનના વિજેતાઓ ઈન્દિરા પ્રિયદર્શિની ટ્રોફી રમ્યા હતા. નેશનલના વિજેતાઓ ભારતની બીજી ટીમો સાથે રાવ કપ રમ્યા હતા.

આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ પરિષદ (IWCC)નું સભ્યપ

વારાણસીમાં બીજી રાષ્ટ્રીય મેચ પછી કારોબારી સમિતિનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીમતી ચંદ્રા ત્રિપાઠી તથા શ્રીમતી પ્રમિલાબાઈ ચૌહાણે અનુક્રમે ચેરપર્સન અને પ્રેસિડેન્ટનો હોદ્દો સંભાળ્યો હતો. મહિલા ક્રિકેટના પ્રારંભિક વિકાસમાં સ્થાપક સચિવ શ્રી એમ.કે.શર્મા સાથે આ બંન્ને મહિલાઓએ પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. WCAIને 1973માં આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ પરિષદ (IWCC)નું સભ્યપદ અને 1978માં સરકારની માન્યતા મળી હતી.

ભારતમાં આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ રમાઈ

વર્ષ 1975માં જ્યારે ઓસ્ટ્રેલિયાની અંડર-25ની ટીમ ત્રણ ‘ટેસ્ટ’ સિરીઝ રમવા માટે ભારતના પ્રવાસે આવી હતી. ભારતમાં ત્યારે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ રમાઈ હતી. પ્રથમ ટેસ્ટ મેચ પૂણેમાં, બીજી દિલ્હીમાં અને ત્રીજી કલકત્તામાં રમાઈ હતી. આ ત્રણ ટેસ્ટ મેચ માટે ત્રણ કેપ્ટન હતા. ઉજ્વાલા નિકમ, સુધા શાહ અને શ્રીરૂપા બોઝ. ત્યારબાદ ભારત દેશ-વિદેશમાં ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ સામે રમ્યું હતું.

પ્રથમ વખત 1976માં વેસ્ટ ઈન્ડિઝને ટેસ્ટ મેચમાં હરાવ્યું

ભારતે સૌપ્રથમ 1976માં વેસ્ટ ઈન્ડિઝને ટેસ્ટ મેચમાં પટના ખાતે હરાવ્યું હતુ. વેસ્ટ ઈન્ડિઝે જમ્મુમાં રમાયેલી આખરી ટેસ્ટ મેચમાં ભારતને હરાવ્યું હતુ અને સિરીઝ ડ્રો થઈ હતી. ૧૯૭૫થી ૧૯૮૬ સુધી ઘણી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાઇ હતી. પરંતુ ત્યારબાદ ૧૯૯૧ સુધી કોઇ આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ ન હતી.

વાંચો : બનાસકાંઠામાં આવેલા જોવાલાયક સ્થળોની માહિતી

1999માં ભારતની ટીમ પ્રથમ વખત ઈંગ્લેન્ડ ગઇ હતી

ભારતે 1995માં ન્યુઝીલેન્ડના ક્રિકેટ શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. ત્યારે પ્રથમ વખત વન ડે સિરીઝ જીતી હતી અને દેશમાં મહિલા ક્રિકેટ માટે મનોબળ વધારનાર ઘટના હતી. વિમેન્સ ક્રિકેટ એસોસિએશનનું ઈંગ્લિશ ક્રિકેટ બોર્ડમાં વિલય થયા બાદ ભારતીય ટીમ 1999માં પહેલી વખત ઈંગ્લેન્ડ ગઇ હતી. અહીં તેમને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેઓએ વન-ડે સિરીઝ જીતી તથા ટેસ્ટ સિરીઝ ડ્રો કરી હતી.

શાંતા રંગાસ્વામી-આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી મારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર

શાંતા રંગાસ્વામી, ડાયના એડલજી, સુધા શાહ અને સંધ્યા અગ્રવાલ જેવા ઘણા ખેલાડીઓએ ક્રિકેટમાં મોટો ફાળો આપ્યો છે. શાંતા રંગાસ્વામી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી મારનાર સૌપ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર છે. જ્યારે સંધ્યા અગ્રવાલે 1986માં ઈંગ્લેન્ડમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ઈનિંગમાં 190 રન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ સિવાય નીતુ ડેવિડે 1995-96માં ઇંગ્લેન્ડ સામે 8-53 રન બનાવ્યા હતા. જે ટેસ્ટ મેચની ઇનિંગમાં રેકોર્ડ બોલિંગનો પ્રયાસ હતો.

અર્જુન એવોર્ડ એનાયત કરીને મહિલા ક્રિકેટરોના યોગદાનને બિરદાવ્યુ

ભારત સરકારે શાંતા રંગાસ્વામી, ડાયના એડલજી, શુભાંગી કુલકર્ણી અને સંધ્યા અગ્રવાલને પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ એનાયત કરીને મહિલા ક્રિકેટરોના યોગદાનને બિરદાવ્યુ હતું. ભારત 1978, 1982, 1993 અને 1997માં વર્લ્ડ કપ માટે રમ્યું હતું. 1978માં યોજાયેલા બીજા વર્લ્ડ કપનું હોસ્ટિંગ WCAI દ્વારા કરવામાં આવ્યું હતું. જે માત્ર પાંચ વર્ષ માટે અસ્તિત્વમાં હતું અને તેની કોઇ મોટી સ્પોન્સરશિપ પણ ન હતી.

1997માં હીરો હોન્ડાએ પ્રથમ વખત ટુર્નામેન્ટને સ્પોન્સર કર્યું

ભારતે બીજી વાર 1997માં વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. રેકોર્ડ 11 દેશોએ ભાગ લીધો હતો. હીરો હોન્ડાએ આ ટુર્નામેન્ટને સ્પોન્સર કર્યું હતું. જેના કારણે દેશમાં ટુર્નામેન્ટ નોંધપાત્ર રસ પેદા થયો હતો. કલકત્તાના ઈડન ગાર્ડન ખાતે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ફાઈનલમાં લગભગ 80,000 પ્રેક્ષકો હાજર હતા.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ધીરે-ધીરે પ્રોત્સાહન મળતું થયું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્યારબાદ ઘણા નોંધપાત્ર સફળતાઓ મેળવી છે. દેશમાં મહિલા ક્રિકેટરોને પણ અલગ-અલગ અવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

વાંચો : નાની ઉંમરમાં વધતા ઘૂંટણના દુ:ખાવાના કારણો તથા સારવાર -Knee Pain

Image Source : Harrias, CC BY-SA 3.0 https://creativecommons.org/licenses/by-sa/3.0, via Wikimedia Commons

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.