ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે દ્રોપદી મુર્મૂ ચૂંટાયા છે. તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ છે, જે અનુસૂચિત જનજાતિમાંથી આવે છે. તથા તેઓ આઝાદ ભારતમાં જન્મેલા પ્રથમ રાષ્ટ્રપતિ છે. તથા ઓડિશા રાજ્યમાંથી આવનાર પ્રથમ રાષ્ટ્રપતિ છે. ચાલો જાણીએ, દ્રોપદી મુર્મૂની આસિસ્ટન્ટ પ્રોફેસરથી રાષ્ટ્રપતિ બનવા સુધીની સફર.
દ્રોપદી મુર્મૂનું પ્રારંભિક જીવન
દ્રોપદી મુર્મૂનો જન્મ 20 જૂન 1958ના રોજ ઓડિશામાં થયો હતો. તેમના પિતા અને દાદા બંન્ને પંચાયતી રાજ હેઠળ સરપંચ તરીકે ચૂંટાયા હતા. તે રમા દેવી વુમન્સ કોલેજમાંથી આર્ટ્સ સાથે ગ્રેજ્યુએટ છે. તેમના લગ્ન શ્યામ ચરણ મુર્મૂ સાથે થયા હતા. જે એક બેન્કર હતા. તેમના પતિનું મૃત્યુ 2014માં થયું હતું. તેમને બે પુત્રો અને એક પુત્રી છે. તેમના બંન્ને પુત્રોનું મૃત્યુ થયેલ છે. દ્રોપદી મુર્મૂ આધ્યાત્મિક રીતે બ્રહ્માકુમારી સાથે જોડાયેલા છે.
રાજકારણ પહેલાનું વ્યાવસાયિક જીવન
રાજકારણમાં પ્રવેશ પૂર્વે દ્રોપદી મુર્મૂએ 1979થી 1983 સુધી રાજ્યના સિંચાઇ અને ઊર્જા વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે કાર્ય કર્યું હતું. તથા ત્યારબાદ 1997 સુધી રાયરંગપુર ખાતે શ્રી ઓરોબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્ય કર્યું હતું.
બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા
દ્રોપદી મુર્મૂ ભાજપના સભ્ય છે. પ્રતિભા પાટિલ પછી આ પદ પર આવનાર માત્ર બીજી મહિલા છે. રાષ્ટ્રપતિ બનવાના પૂર્વે તેમણે 2015 અને 2021ની વચ્ચે ઝારખંડના નવમા રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. તથા તેના પૂર્વે 2000થી 2004ની વચ્ચે ઓડિશા સરકારના મંત્રીમંડળમાં વિવિધ વિભાગોમાં સેવા આપી હતી.
ST મોર્ચામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
દ્રોપદી મુર્મુ ઓડિશાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુરના આદિવાસી નેતા છે. મુર્મુ ૧૯૯૭માં ભાજપમાં જોડાયા હતા. તે સમયે તે રાયરંગપુર નગર પંચાયતના કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. તેઓ વર્ષ ૨૦00માં રાયરંગપુર નગરપંચાયતના અધ્યક્ષ બન્યા હતા. તેમણે ભાજપના ST મોર્ચામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.
2000થી 2004 સુધી મંત્રી તરીકેની સેવા
ઓડિશામાં BJP અને BJD ગઠબંધન સરકાર દરમિયાન તેઓએ મંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે 6 માર્ચ 2000થી 6 ઓગસ્ટ 2002 સુધી વાણિજ્ય અને પરિવહન મંત્રી હતા. તથા 6 ઓગસ્ટ 2002થી 16 મે 2004 સુધી મત્સ્યપાલન અને પશુ સંસાધન વિકાસના મંત્રી હતા.
ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ
દ્રોપદી મુર્મૂએ 18 મે 2015ના રોજ ઝારખંડના રાજ્યપાલ તરીકે શપથ લીધી હતી. ત્યારે તે ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા હતા. ઝારખંડમાં તેમના રાજ્યપાલ તરીકે છ વર્ષના સમયગાળામાં ભાજપ સત્તા પર હતું. તેમના રાજ્યપાલ તરીકેના સમગ્ર કાર્યકાળ ક્ન્દ્રમાં ભાજપની સરકાર સત્તામાં હતી.
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવાર
ભાજપે મુર્મૂને જૂન 2022માં જુલાઇમાં ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAના ઉમેદવાર તરીકે નોમિનેટે કર્યા હતા. વિરોધ પક્ષોએ યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નોમિનેટે કર્યા હતા.
વિપક્ષી દળોએ ટેકો આપ્યો
રાષ્ટ્રપતિ પદના ચૂંટણી પ્રચાર દરમિયાન મુર્મૂએ પોતાની ઉમેદવારી માટે સમર્થન મેળવવા માટે વિવિધ રાજ્યોની મુલાકાત લીધી હતી. JMM, BSP, SS જેવા અનેક વિપક્ષી દળોએ મતદાન પહેલા તેમનો ટેકો આપવાની જાહેરાત કરી હતી.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બહુમતી
21 જુલાઈ 2022ના રોજ મુર્મૂએ 2022ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બહુમતી મેળવી હતી, જેમાં ભારતના 15મા રાષ્ટ્રપતિ બનવા માટે 28 રાજ્યોમાંથી 21 રાજ્યોમાં (કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી સહિત)માં 676,803 ઇલેક્ટોરલ મત (કુલના 64.03%) સાથે વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહાને હરાવ્યા હતા. તથા ભારતના 15માં રાષ્ટ્રપતિ બનશે. તે પ્રથમ આદિવાસી અને રાષ્ટ્રપતિ તથા બીજા મહિલા રાષ્ટ્રપતિ હશે.
વાંચો: રાજનાથસિંહના જન્મદિવસ પર તેમના જીવનની કેટલીક ખાસ વાતો
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.