આજે 28 સપ્ટેમ્બર એટલે કે, શહીદ ભગતસિંહની જન્મજયંતિ. આ નામથી કોઇ અજાણ નહિ હોય. તેઓ એક મહાન ક્રાંતિકારી હતા. જે માત્ર 23 વર્ષની નાનકડી ઉંમરમાં જ દેશ માટે હસતાં-હસતાં ફાંસી પર ચડી ગયા હતા. આટલી વાત તો દરેકને ખબર જ હશે. પરંતુ તેમના જીવનથી જોડાયેલી અમુક એવી વાતો તમને જણાવીશું. જેનાથી કદાચ તમે હજી સુધી અજાણ હશો.

ભગતસિંહનો જન્મ

28 સપ્ટેમ્બર 1907ના દિવસે ભગતસિંહનો જન્મ પંજાબના બંગા ગામમાં થયો હતો. હાલ તે પાકિસ્તાનનો ભાગ છે. ભગતસિંહના પિતાનું નામ સરદાર કિસન સિંઘ અને વિદ્યાવતી કૌર હતું. ભગતસિંહના પિતા અને કાકા અરજીત સિંહ પણ એક સક્રિય સ્વાતંત્ર્ય સેનાની હતા. ભગતસિંહ નાનપણથી જ બાહદુર, સાહસી અને નિડર હતા.

ખેતરમાં શું કરીએ ?

ભગતસિંહ એક વાર તેમના પિતા સાથે ખેતરમાં ગયા હતા. તો ત્યારે તેમણે તેમના પિતાને પૂછ્યું કે, પિતાજી આ ખેતરમાં તમે લોકો શું કરો છો ? તો તેમના પિતાએ કહ્યું કે, એમે લોકો બીજ વાવીએ છીએ. જેનાથી ફસલ થાય છે અને ઘણું બધું અનાજ પણ મળે છે.

નાનપણથી જ દેશભક્તિ

તો તેમણે તેના પિતાને સવાલ કર્યો કે, પિતાજી તો તમે ખેતરમાં બંદૂક કેમ નથી વાવતા ? તે અંગ્રેજોને મારવા પણ કામ આવશે અને આપણી પાસે ઘણી બધી બંદૂકો હશે તો આપણે અંગ્રેજો સામે લડી પણ શકીશું. તેમના પિતા આ વાત સાંભળીને પહેલા તો હેરાન થયા પછી મનોમન ખુશ થયા કે, તેમનો દિકરો દેશભક્તિના રસ્તે જઇ રહ્યો છે.

વાંચો : મેજર ધ્યાનચંદના જીવન વિશેની અમુક અજાણી વાતો

જલિયાવાલા બાગ હત્યાકાંડ

13 એપ્રિલ, 1919નો એ ક્રૂર દિવસ. આ દિવસે કંઇક એવું થયું જેને ભગતસિંહના ઉપર ઘણી ઊંડી અસર કરી હતી. તેમના મનમાં અંગ્રેજો વિરુદ્ધ આક્રોશ ભરાઇ ગયો. કારણ કે, આ દિવસ ભારતના ઇતિહાસનો ક્રૂર દિવસ હતો. આ દિવસે અમૃતસરમાં થયેલો જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો.

દરેક શહીદનો બદલો લેવાનો નિર્ણય

ભગતસિંહએ જ્યારે આ ઘટના વિશે સાંભળ્યું, ત્યારે 20 કિલોમીટર ચાલીને તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. ત્યાં પહોંચીને જે તેમને જોયું તે ખૂબ જ દર્દનાક હતું. ત્યારે તેમને તે દરેક શહીદોનો બદલો લેવાનો નિર્ણય કરી લીધો અને તે લોહીથી લથપથ માટી પોતાની મુઠ્ઠીમાં ભરીને ઘરે લઇને આવ્યા. તે સમયે તેમની ઉંમર માત્ર 12 વર્ષની જ હતી.

વાંચો : Indian Flag : ભારતના રાષ્ટ્રધ્વજનો સંપૂર્ણ ઇતિહાસ

સાઇમન કમિશનનો વિરુદ્ધ

30 ઓક્ટોમ્બર 1928માં લાહોરમાં સાઇમન કમિશનના વિરુદ્ધ ભગતસિંહે એક વિશાળ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ત્યાં થયેલા લાઠી ચાર્જમાં લાલા લાજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે સમયે લાલા લાજપતરાયે કહ્યું કે, “મારા શરીર પર પડેલી એક-એક લાઠી બ્રિટીશ સરકારના તાબીતમાં એક-એક ખીલાનું કામ કરશે.” 17 નવેમ્બર 1928ના દિવસે આ જ ઇજાઓના લીધે લાલા લાજપરાયનું મૃત્યુ થઇ ગયું.

સ્કોટને મારવાની યોજના

તેમના મૃત્યુનો બદલો લેવા ભગતસિંહ અને તેમના સાથીઓએ અંગ્રેજી સરકારનો વિરોધ કરવા સ્કોટને મારવાની યોજના બનાવી. જે બ્રિટિશ સુપરિટેન્ડર ઓફ પોલીસ હતો. 17 ડિસેમ્બર 1928ના દિવસે અંદાજે સવા 4 વાગે લાહોર કોતાવલી પર ભગસિંહ, રાજગુરુ, જય ગોપાલ અને ચંદ્રશેખર આઝાદ ભેગા થયા. ત્યાં સ્કોટના બદલે જોન સોન્ડર્સને જોઇને તેમને મારવા માટે આગળ વધ્યા.

સોન્ડર્સને ગોળી મારી

ભગતસિંહ અને રાજગુરુએ સોન્ડર્સની ગોળી મારીને હત્યા કરી દીધી અને ત્યાંથી ભાગી ગયા. આ રીતે તેમને લાલા લાજપતરાયના મોતનો બદલો લીધો હતો. આ એ જ ઘટના હતી જેના પછી ભગતસિંહે તેમના વાળ અને દાઢી પણ કપાવી દીધા હતા. જેથી તેમને કોઇ ઓળખી ન શકે.

વાંચો : હિન્દી દિવસ : દુનિયામાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા

ભગતસિંહની મૃત્યુ

ભગતસિંહની મૃત્યુ 23 માર્ચ 1931ના રોજ અંગ્રેજ સરકારે કરેલી ફાંસીની સજા દ્વારા થઇ હતી. માત્ર 23 વર્ષની ઉંમરમાં દેશ માટે તેઓ શહીદ થઇ ગયા હતા. આવા ક્રાંતિકારી વીરને તેમની જન્મજયંતિ પર શત શત નમન.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો.

Categorized in: