ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. એટલે તેની સાથે આ સીઝનના ફળ પણ આવી ગયા છે. તેમાંનું જ એક સૌનું પ્રિય ફળ જાંબુ. જાંબુને ભારતીય બ્લેકબેરી, જાવા પ્લમ અથવા બ્લેક પ્લમ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. આજે આપણે જાંબુ વિશેની એવી જ અમુક રસપ્રદ માહિતી મેળવીશું.
જાંબુમાંથી મળતા પોષકતત્વો
જાંબુનું ઝાડ 100 વર્ષની આયુ ધરાવે છે. આ વૃક્ષ વધારે પ્રમાણમાં ભારતમાં જ જોવા મળે છે. તે વિવિધ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં આયર્ન, પોટેશિયમ, વિટામિન સી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને મેગ્નેશિયમનો ઉત્તમ સ્રોત રહેલો છે. તેમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે.
હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ
જાંબુમાં વિટામિન સી અને આયર્ન ભરપૂર માત્રામાં હોવાના લીધે હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ થાય છે. તેમાં રહેલા આયર્નની ઉંચી માત્રાને કારણે કમળો અને એનિમિયાથી પીડાતા વ્યક્તિ માટે આયર્ન મદદરૂપ થાય છે.
હૃદય રોગોથી બચવામાં ઉપયોગી
જાંબુ હૃદયની સમસ્યાઓને દૂર રાખવા માટે મદદરૂપ છે. તેમાં પોટેશિયમ રહેલું હોય છે. જે સ્ટ્રોક, હાઈ બ્લડપ્રેશર અને હૃદયની સમસ્યાઓ જેવા રોગોથી બચવામાં મદદરૂપ થાય છે.
ડાયાબિટીક ગુણ
જાંબુ અસ્થમાં, સામાન્ય શરદી અને ફ્લૂ જેવી બિમારીઓની સારવારમાં મદદરૂપ થાય છે. તેના ફળ અને બીજના પાવડર બંન્નેમાં એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે. તેના બીજનો પાવડર લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડવા માટે ઉત્તમ માનવામાં આવે છે.
જાંબુનો દવામાં ઉપયોગ
જાંબુ એક એવું ફળ છે, જેનો ઉપયોગ પ્રાચીનકાળથી આયુર્વેદિક દવાઓમાં કરવામાં આવે છે. જાંબુના પાંદડા, છાલ અને ફળનો ઉપયોગ કેપ્સ્યુલ અને ટેબ્લેટ સ્વરૂપમાં ઉપલબ્ધ હેલ્થ સપ્લિમેન્ટ્સ બનાવવા માટે પણ થાય છે.
જાંબુની બનાવટો
જાંબુને ફળ તરીકે તો ખાઇ જ શકાય છે. પરંતુ તેનો રસ બનાવીને પણ પી શકાય છે. લોકો તેને પાવડર સ્વરૂપે પણ ખાય છે. ઘણા લોકો જાંબુના પાનની ચા પણ બનાવતા હોય છે. તેનો ઉપયોગ સલાડ કે સ્મૂધી બનાવવામાં પણ થાય છે.
વાંચો: બીલી ના આયુર્વેદિક ગુણધર્મો વિષે
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.