ગુજરાતનું નામ લેતા જ પહેલું શહેર જેનો વિચાર આવે તે અમદાવાદ છે. અમદાવાદએ ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સીટી છે. ત્યારે અહીં ઘણા એવા જોવાલાયક સ્થળો છે. ચાલો, આજે તમને જણાવીએ અમદાવાદમાં જોવાલાયક 10 સ્થળો વિશે.
Best tourist and heritage places in Ahmedabad
અમદાવાદ માં જોવાલાયક 10 સ્થળો:
- દાદા હરિર વાવ
- સાબરમતી આશ્રમ
- કાંકરિયા તળાવ
- ઝુલતા મિનાર
- ભદ્ર કિલ્લો
- જામા મસ્જિદ
- સરખેજ રોજા
- સાબરમતી રિવરફ્રન્ટ
- સીદી સઈદની મસ્જિદ
- સાયન્સ સીટી
Unique places in ahmedabad
1. દાદા હરિર વાવ
દાદા હરીર વાવ એ સ્થાપત્ય કળાનું એક અદ્ભુત ઉદાહરણ છે. આ વાવનું નિર્માણ 1485માં મહમુદ બેગડાની એક ગૃહિણી ધાઇ હરીરે કર્યું હતું. સોલંકી સ્થાપત્ય શૈલીમાં રેતીના પત્થરમાં બાંધવામાં આવેલી આ દાદા હરીર વાવ પાંચ માળ ઊંડી છે. અમદાવાદમાં ફરવા માટેના સૌથી શાંત સ્થળોમાંનું એક સ્થળ છે. વાવની દીવાલો અને થાંભલાઓ પર સંસ્કૃત અને ફારસી ભાષાના વિવિધ શિલાલેખો અને સુંદર કારીગરી જોઇ શકાશે. અહીં પ્રવેશ કરતા જ તમને ઠંડકનો અનુભવ થશે. અમદાવાદના ઉનાળા દરમિયાન આકરા તડકાથી અહીં રાહત મળે છે.
2. સાબરમતી આશ્રમ
સાબરમતી નદીના કિનારે વસેલો આ આશ્રમ અમદાવાદનું સૌથી સ્થળ છે. એક સમયે આ આશ્રમ મહાત્મા ગાંધીનું નિવાસસ્થાન હતું. હવે તે અમદાવાદના શ્રેષ્ઠ આશ્રમોમાંનું એક છે. અહીંનો સૌથી રસપ્રદ ભાગ એ સંગ્રહાલય છે. જ્યાં મહાત્મા ગાંધીની વ્યક્તિગત વસ્તુઓ અને તેમના ઘણા પત્રોને પ્રદર્શન મુકવામાં આવ્યા છે. અહીં આવેલ ઉપાસના મંદિર, મગન નિવાસ, હૃદય કુંજ અને ઉદ્યોગ મંદિર આવેલા છે. અહીંની લાઇબ્રેરીમાં ઘણા હસ્તપત્રો, પુસ્તકો, ફોટોગ્રાફ્સ અને અન્ય વસ્તુઓ છે. મહાત્મા ગાંધીનો અંગત સામાન જેમ કે, ગોળ ચશ્મા, લાકડાના ચંપલ, તેમનો ચરખો અને અન્ય વ્યક્તિગત વસ્તુઓ જોવા મળશે.
3. કાંકરિયા તળાવ
કાંકરિયા તળાવ પહેલા હૌઝ-એ-કુતુબ તરીકે ઓળખાતું હતું અને તે સમયના સુલતાનો માટે નહાવા માટેનું સ્થળ હતું. તેની મધ્યમાં એક સુંદર આઇસલેન્ડ-ગાર્ડન છે. જે જગ્યા નગીના વાડી તરીકે ઓળખાય છે. કાંકરિયા તળાવ એ પિકનિક માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીં તમે ટોય ટ્રેન રાઇડ્સ, બલૂન રાઇડ્સ, કિડ્સ સિટી, બોટ રાઇડ્સ અને એન્ટરટેઇનમેન્ટ ઝોનમાં વિવિધ પ્રવૃત્તિઓનો પણ આનંદ માણી શકો છો. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા દરમિયાન અહીં આયોજિત કાંકરિયા લેક કાર્નિવલની ઉજવણીમાં દેશભરમાંથી લોકો આવે છે.
વાંચો : ભારતમાં આવેલા 10 જાણીતા ગણપતિ મંદિર અને તેનું મહત્વ
4. ઝુલતા મિનાર
ઝુલતા મિનાર વિશ્વના સૌથી અનોખા સ્મારકોમાંનું એક છે. જેમાં આર્કિટેક્ચરની સૌથી રસપ્રદ શૈલી દર્શાવવામાં આવી છે. જ્યારે એક મિનાર હલે છે ત્યારે અન્ય મિનારાઓ થોડી સેકન્ડ પછી કંપન કરવાનું શરૂ કરે છે પરંતુ મિનાર વચ્ચેના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું કંપન જણાતું નથી. આ મિનારે ઘણા પુરાત્તવિદો અને અન્ય નિષ્ણાતોને સ્તબ્ધ કરી દીધા છે. આજદિન સુધી કોઇને આ કંપન વિશેનું રહસ્ય જાણી શક્યા નથી.
5. ભદ્ર કિલ્લો
ભદ્રનો કિલ્લો સાબરમતી નદીના પૂર્વ કિનારે આવેલો પ્રાચીન કિલ્લો છે. તેનું નિર્માણ ઇ.સ. 1411માં સુલતાન અહમદ શાહ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું. વર્ષોથી ઘણા શાસકોએ આ કિલ્લા પર વિજય મેળવી અને રાજ કર્યું છે. ઇ.સ. 1817માં બ્રિટિશરોએ શાસક મરાઠાઓને હરાવીને કિલ્લો કબ્જે કર્યો હતો. બ્રિટિશ શાસન દરમિયાન તેમને તેને જેલમાં ફેરવ્યો હતો. મરાઠા શાસકોએ કિલ્લામાં ભદ્ર કાલી મંદિર બનાવ્યું હતું. તેના પરથી કિલ્લાને ભદ્ર કિલ્લો નામ આપવામાં આપ્યું હતું. આ કિલ્લો લગભગ 43 એકરની વિશાળ જમીન પર આવેલો છે.
6. જામા મસ્જિદ
અમદાવાદની જામા મસ્જિદ શહેરનું સૌથી લોકપ્રિય આકર્ષણ છે. આ મસ્જિદનું નિર્માણ ઈ.સ. 1423માં અમદાવાદના સ્થાપક અહમદશાહ પહેલાએ કરાવ્યું હતું. આ મસ્જિદ હિન્દુ, મુસ્લિમ અને જૈન સ્થાપત્યનું ભવ્ય મિશ્રણ છે. આ મસ્જિદમાં લગભગ 260 થાંભલાઓ છે અને દરેક સ્તંભ પર જટિલ કોતરણીઓ જોવા મળે છે. જામા મસ્જિદ તેના સ્થાપત્ય અને ઇતિહાસના લીધે પ્રસિદ્ધ છે.
વાંચો : ગુજરાતમાં આવેલા 10 પવિત્ર શિવમંદિરો અને તેનું મહત્વ
7. સરખેજ રોજા
સરખેજ રોજા એ સરખેજ તળાવની નજીક બાંધવામાં આવેલી કબરો, મસ્જિદો અને મહેલોનું એક ભવ્ય સ્થાપત્ય સંકુલ છે. તે સૂફી સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ સ્થળ છે અને અહીં જ સૂફી સંત ગંજ બક્ષ રહેતા હતા. તેમના મૃત્યુ પછી મસ્જિદની સાથે સમાધિ પણ તેમની યાદમાં બનાવવામાં આવી હતી. આ ગુજરાતનો સૌથી મોટો રોઝા છે. તે મુગલ અને ભારતીય વાસ્તુશિલ્પીય ડિઝાઇનનું ઉત્તમ ઉદાહરણ છે. સૂફી સંતની સમાધિ ઉપરાંત સરખેજ રોજામાં તે સમયના રાજા-રાણીઓની કબરો પણ આવેલી છે. મસ્જિદની આસપાસના વિસ્તારમાં વિશાળ આંગણું, વસાહતો અને પ્રાર્થના ખંડ પણ છે.
8. સાબરમતી રિવરફ્રન્ટ
સાબરમતી રિવરફ્રન્ટ સાબરમતી નદીના કિનારે વિકસાવવામાં આવેલું એક સુંદર વોટરફ્રન્ટ વિસ્તાર છે. ખૂબ જ કલાત્મક રીતે આ વિસ્તારને અમદાવાદના સૌથી મોહક પર્યટન સ્થળોમાં બનાવવામાં આવ્યું છે. તેની શરૂઆત પર્યાવરણીય સુધારણાના પ્રયાસ તરીકે કરવામાં આવી હતી. પરંતુ તે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ બંન્ને માટે અમદાવાદમાં સૌથી વધુ મુલાકાત લેવાતા સ્થળોમાંનું એક બની ગયું છે. લોકો અહીં ખાસ કરીને સાંજના સમયે ફરવા માટે અહીં આવવાનું પસંદ કરે છે. અહીં તમે બોટની સવારીનો આનંદ માણી શકો છો.
9. સીદી સઈદની મસ્જિદ
ઇ.સ. 1573માં બનેલી સીદી સઈદની મસ્જિદ અમદાવાદની પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોમાંનું એક છે. મસ્જિદ તેના સ્થાપત્ય ભવ્યતાને લીધે પ્રસિદ્ધ છે. તે તેની બારીઓ અને પાછળની કમાનો પર કરવામાં આવેલા સુશોભિત જાળીના કામમાં સ્પષ્ટ દેખાય છે. આ મસ્જિદનું બીજું મુખ્ય આકર્ષણ તેના પથ્થરના સ્લેબ છે, જે એકબીજા સાથે જોડાયેલા વૃક્ષો અને પર્ણસમૂહના રૂપમાં રચાયેલા છે.
વાંચો : માઉન્ટ આબુના જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો
10. સાયન્સ સીટી
અમદાવાદનું સાયન્સ સિટી કોમ્પલેક્સ અહીંનું સૌથી રસપ્રદ આકર્ષણ છે. આ સંકુલ વિશાળ વિસ્તારને આવરી લે છે અને તેમાં આઇમેક્સ 3D થિયેટર, એમ્ફિથિયેટર, પ્લેનેટ અર્થ પેવિલિયન, એનર્જી પાર્ક, લાઇફ સાયન્સ પાર્ક અને મ્યુઝિકલ ફાઉન્ટેન આવેલા છે. મુલાકાતીઓ અહીં અનેક પ્રયોગો કરીને આનંદ માણી શકે છે. મોબાઇલ ફોન અને ઉપગ્રહોની કામગીરીને સમજી શકે છે. અહીં ઘણી હેન્ડ-ઓન પ્રવૃત્તિઓ અને પ્રદર્શનો છે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટને સમજાવે છે. અહીંના મ્યુઝિકલ ફાઉન્ટેનમાં 20થી વધુ વિવિધ જળ શૈલીઓ અને ડિઝાઇન દર્શાવવામાં આવી છે.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.