ઉનાળાની ગરમી હવે પૂરી થઇ ગઇ છે. ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ગરમીના લીધે ઘરમાં બેસીને બધા કંટાળી ગયા હશો. તો ચાલો, હવે ઘરમાંથી બહાર નીકળીને ફરવા જવાના દિવસો આવી ગયા છે. ત્યારે, આજે આપણે જાણીએ ચોમાસામાં ગુજરાતમાં ફરવાલાયક સ્થળો વિશે.
ચોમાસા દરમિયાન ફરવા લાયક સ્થળો
- ડાંગ
- હાથણીમાતા ધોધ
- ઝરવાણી ધોધ
- હિંગોળગઢ નેચર એજ્યુકેશન અભયારણ્ય
- નિનાઈ ધોધ (નર્મદા)
- પોલો ફોરેસ્ટ
- કિલેશ્વર (બરડો હિલ)
- પારનેરા
- તારંગા જૈન મંદિર
- વિલ્સન હિલ્સ
1) ડાંગ
ડાંગએ ગુજરાતનો એવો જિલ્લો છે, જ્યાં ફરવાલાયક ઘણા બધા મનમોહક સ્થળો છે. તેમાં પણ જ્યારે ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ડાંગ સ્વર્ગ સમાન લાગે છે. સાપુતારાના સનસેટ પોઇન્ટ પર ધીમા પવન સાથે વાદળોમાં ફરવાનો એહસાસ થાય છે. ડાંગમાં ગીરા, પૂર્ણા અને અંબિકા જેવી નદીઓ પણ આવેલી છે. જેથી પ્રકૃતિ પ્રેમીઓ માટે તે પ્રિય સ્થળ છે. ડાંગમાં ગીરા ધોધ તથા ગીરમલ ધોધ આવેલો છે. તથા અહીં ડોન હિલ સ્ટેશન અને પૂર્ણા વન્યજીવ અભ્યારણ પણ આવેલું છે.
2) હાથણીમાતા ધોધ
હાથણીમાતા ધોધએ ગુજરાતનો છૂપો ખજાનો છે. તે ગુજરાતના શ્રેષ્ઠ ધોધમાંનો એક છે. જાંબુઘોડા અને પાવાગઢની નજીક, હાથણી માતાનો ધોધ ખૂબ જ મનમોહક છે. તે આખા વિસ્તારની પ્રાકૃતિક સુંદરતા અદ્ભુત છે. પહાડો અને પાણી સાથે અહીંના લીલાછમ વાતાવરણને લીધે આ સ્થળની મુલાકાત લેવા લોકો અવાર-નવાર આવતા રહે છે. 1 દિવસના પિકનીક માટે તે ખૂબ જ સારું સ્થળ છે. અહીં મુલાાકાત લેવાનો શ્રેષ્ઠ સમય જુલાઇથી ઓક્ટોમ્બર સુધીનો છે. તમે દિવસ દરમિયાન સવારના 8થી સાંજના 6 વાગ્યા સુધી ત્યાં મુલાકાત લઇ શકો છો.
3) ઝરવાણી ધોધ
ઝરવાણી ધોધ નર્મદા જિલ્લામાં આવેલો છે. તે નર્મદા ડેમ સાઇટ પર રાજપીપળાથી કેવડિયા કોલોની તરફ 28 કિમીના અંતરે આવેલો છે. તે શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્યની અંદર આવેલો છે. જે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું ઘર છે. વન વિભાગની મદદથી દિવસ દરમિયાન ત્યાં પિકનિક અથવા ટ્રેકિંગ કરી શકાય છે. જેમાં જંગલ, ધોધ અને અન્ય કુદરતી સૌંદર્ય સુધી સરળતાથી પહોંચી શકાય છે. નજીકના અન્ય જોવાલાયક સ્થળોમાં ઝરવાની ધોધ, શૂલપાણેશ્વર મંદિર, ઘીર ખાદીનો સમાવેશ થાય છે.
4) હિંગોળગઢ નેચર એજ્યુકેશન અભયારણ્ય
હિંગોળગઢ નેચર એજ્યુકેશન અભયારણ્યએ રાજકોટની નજીક આવેલું એક નાનું પરંતુ નોંધપાત્ર વન્યજીવ અભયારણ્ય છે. તે ચારે બાજુથી શુષ્ક જમીનથી ઘેરાયેલું છે. આ અભયારણ્યને 1980માં આરક્ષિત વન વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો. જે 654 ચોરસ કિલોમીટરના વિસ્તાર સુધી ફેલાયેલો છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ વિસ્તારમાં લીલુંછમ આવરણ દેખાય છે. અભયારણ્યનું શૈક્ષણિક અને મનોરંજક મૂલ્ય ઘણું ઊંચું છે. જેથી તે અહીં આવનાર પ્રવાસીઓ માટે એક લોકપ્રિય સ્થળ બની રહે છે. ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ અભયારણ્ય ચોમાસા દરમિયાન દર વર્ષે લગભગ 50-100 પ્રકૃતિ શિક્ષણ શિબિરોનું આયોજન કરે છે. આ શિબિરો મુખ્યત્વે શાળાના બાળકોને વન્યજીવ સંરક્ષણ અને ઇકોસિસ્ટમના મહત્વ વિશે શિક્ષિત કરવા માટે આયોજિત થાય છે.
5) નિનાઈ ધોધ (નર્મદા)
નિનાઈ ધોધએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલો છે. નિનાઈ સ્ટેટ હાઈવે 163 (ગુજરાત) પર આવેલો છે. તે ડેડિયાપાડાથી અંદાજે 35 કિ.મી.ના અંતરે આવેલું છે. નિનાઈ ધોધની ઊંચાઈ 30 ફૂટથી પણ વધારે છે. તે શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્ય ઉપરાંત દેડિયાપાડાની સુંદર વન રેન્જમાં છે. આ સ્થળ લોકોમાં વધુ જાણીતું ન હોવાથી અહીં મુલાકાતીઓ ઓછા જોવા મળે છે.
6) પોલો ફોરેસ્ટ
પોલો ફોરેસ્ટ એ સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમય દરમિયાન જ મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તે જંગલ વિસ્તાર હોવાથી શાંત અને શાંતિપૂર્ણ એકાંતનો અનુભવ કરાવે છે. પ્રાચીન પોલો સીટીએ હરણાવ નદીની આજુબાજુમાં બાંધવામાં આવ્યું હતું. તેની સ્થાપના 10મી સદીમાં ઇડરના પરિહાર રાજાઓ દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. 15મી સદીમાં મારવાડના રાઠોડ રાજપૂતો દ્વારા તેને જીતવામાં આવ્યું હતું. તેનું આ નામ મારવાડી શબ્દ પોલ પરથી ઉતરી આવ્યું છે. જેનો અર્થ “ગેટ” થાય છે. આ જંગલ વિસ્તાર હોવાને લીધે તે ચોમાસામાં અહીં ફરવાની ખૂબ જ મજા આવે છે.
7) કિલેશ્વર (બરડો હિલ)
જો તમે ચોમાસા દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશની મુસાફરી કરી રહ્યા હોવ તો આ સ્થળની મુલાકાત લેવી જ જોઈએ. ગુજરાતના બરડો ટેકરી મનોહર અને ઓછું જાણીતું સ્થળ છે. અહીં કિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જન્માષ્ટમી દરમિયાન મોટાભાગે આ સ્થળની મુલાકાત લેવા વધુ મુલાકાતીઓ આવે છે.
8) પારનેરા
પારનેરા એ વલસાડ શહેરની નજીક આવેલું એક સુંદર હિલ સ્ટેશન છે. જે ચોમાસામાં ગુજરાતમાં ફરવા લાયક સ્થળો પૈકી એક છે. પારનેરા નામએ પાર નદી પરથી ઉતરી આવેલું છે. આ સ્થળનું નામ પારનેરા એ એડવેન્ચર પ્રેમી માટે શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. કારણ કે, અહીં આજુબાજુમાં ઘણા ટ્રેકિંગ પોઈન્ટ આવેલા છે. આ ઉપરાંત આ સ્થળ ધાર્મિક યાત્રીઓ માટે પ્રસિદ્ધ યાત્રાધામ પણ છે. ટેકરીની ઉંચાઈ અંદાજે 300 મીટર છે. અહીં ભૂતકાળના અવશેષો ધરાવતી ઘણી બધી જગ્યાઓ પણ છે. પાનેરાનો નજારો તેને ચોમાસા દરમિયાન ફરવા માટેના શ્રેષ્ઠ છે.
9) તારંગા જૈન મંદિર
મહેસાણા જિલ્લાના એક શિખર પર આવેલું છે. તારંગા જૈન મંદિરએ એક એવું સ્થળ છે, જે એડવેન્ચર પ્રેમીઓને ટ્રેકિંગનો અનુભવ કરાવે છે. આ મંદિર જૈનો માટે મહત્વનું તીર્થસ્થાન છે. તારંગા ટેકરી પર એક પ્રાચીન કિલ્લો અને એક ગુફા પણ આવેલા છે. જેને જોગીદાની ગુફા કહેવામાં આવે છે. અહીં લોકો એક જ સાથે ટ્રેકિંગ, ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ જોવા મળે છે.
10) વિલ્સન હિલ્સ
વિલ્સન હિલ્સએ અંદાજે 2500 ફૂટની ઉંચાઈ પર આવેલું એક ભવ્ય સ્થળ છે. જે વરસાદની ખૂબ જ આનંદનો એહસાસ કરાવે છે. પંગરબારી વન્યજીવન અભયારણ્ય ધરાવતાં લીલાછમ વન વિસ્તારથી આચ્છાદિત હિલ સ્ટેશન તેની ટોચ પરથી વિશાળ સમુદ્રનો અદ્ભુત નજારો આપે છે. તે વિશ્વની અમુક ટેકરીઓમાંની એક છે જ્યાંથી સમુદ્ર દેખાય છે. ચોમાસામાં ગુજરાતમાં ફરવા માટે વિલ્સન હિલ્સ શ્રેષ્ઠ સ્થળો પૈકીનું એક છે.
આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.
વાંચો : માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો
વાંચો : ગુજરાતના આ મનમોહક બીચ તમને ગોવા ભૂલાવી દેશે
વાંચો : ગુજરાતમાં ઉનાળા વેકેશનમાં ફરવા લાયક સ્થળો