ગુજરાતમાં ઘણા તળાવ છે. પરંતુ આજે આપણે વાત કરીશું એક એક એવા તળાવ વિશે વાત કરીશું જે માત્ર એક સામાન્ય જળાશય નથી. આ તળાવથી ચાલતી પુરવઠા યોજના કેટલાય ગામોને પાણી પહોંચાડે છે. મત્સય ઉદ્યોગ દ્વારા કેટલાય લોકોને રોજગારી આપે છે. તેની સાથે-સાથે ફરવા માટે પણ એક શ્રેષ્ઠ જગ્યા છે. તો ચાલો જાણીએ આ તળાવ વિશે.

કનેવાલ લેક

આણંદ જિલ્લામાં તારાપુર તાલુકામાં કનેવાલ લેક આવેલું છે. તે આણંદથી અંદાજે 1 કલાકના અંતરે એટલે કે 50 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં તમે તમારા ખાનગી વાહન દ્વારા પહોંચી શકો છો.

વાંચો : ગુજરાતના આ મનમોહક બીચ તમને ગોવા ભૂલાવી દેશે

વેલી કનેવાલ તળાવનો ઇતિહાસ

કનેવાલ તળાવએ એક કૃત્રિમ તળાવ છે. આ ઐતિહાસિક તળાવ લગભગ 100 વર્ષ પહેલાં અંગ્રેજો દ્વારા બંધાવવામાં આવ્યું હતું. તે આસપાસના ગામોને પાણી પુરવઠો પુરુ પાડવા માટે બાંધવામાં આવ્યું હતું. અત્યારે આ તળાવથી આસપાસના 120 જેટલા ગામોને સિંચાઇ તથા પીવા માટેનું પાણી મળી રહે છે.

ચાલ્કોલિથિત સંસ્કૃતિ સાથે સંબંધ

આ તળાવ અંદાજે 625 હેક્ટર ખેતીની જમીન પર આવેલું છે. પુરાતત્ત્વીય શોધો કનેવાલ તળાવની આસપાસના વિસ્તારો જેમ કે કનેવાલ, ખાકસર, રેલ વગેરેને 2જી અને 3જી સદી પૂર્વેની ચાલ્કોલિથિત સંસ્કૃતિ સાથે જોડે છે.

વાંચો : વડોદરામાં જોવાલાયક સ્થળો વિશેની સંપૂર્ણ માહિતી

ભૌગોલિક માહિતી

કનેવાલ તળાવની પૂર્ણ જળાશય સપાટી 45′ તથા ન્યુનતમ જળ સપાટી 32′ છે. તળાવ પૂર્ણ ભરાય ત્યારે 595 મિલીયન ઘનફુટ પાણીનો સંગ્રહ થાય છે. કનેવાલ તળાવનો પરિઘ 13 કિલોમીટર છે.

પાણી પુરવઠા યોજનાઓ

કનેવાલ તળાવ આધારિત કુલ 3 પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત છે. જેમાં સૌરાષ્ટ્ર પુરવઠા યોજના, ખંભાત શહેર પાલિકા પુરવઠા યોજના, મિલરામપુર પાણી પુરવઠા યોજનાનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર પુરવઠા યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના વિસ્તારોને પાઇપલાઇનથી પાણી પૂરુ પાડવામાં આવે છે. જે દૈનિક 100 મીલીયન લીટર જેટલું હોય છે.

ખંભાત શહેર પાલિકા પુરવઠા યોજના અંતર્ગત ખંભાત શહેરને પાણી અંદાજે દૈનિક 18 મીલીયન લીટર જેટલું પાણી પુરું પાડવામાં આવે છે. મિલરામપુરા પાણી પુરવઠા યોજના અંતર્ગત ભાલ વિસ્તારના 45 ગામોને દૈનિક 13 મીલીયન લીટર જેટલું પાણી પૂરું પાડવામાં આવે છે.

વાંચો : બનાસકાંઠામાં આવેલા જોવાલાયક સ્થળોની માહિતી

મત્સય ઉદ્યોગ

આ તળાવમાં મત્સય ઉદ્યોગ માટે માછીમારી પણ ચાલે છે. કનેવાલ તળાવના કિનારા પર વન વિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા કુટીર તથા નર્સરી પણ બનાવવામાં આવી છે. અહીં સિંચાઇ વિભાગનું રેસ્ટ હાઉસ પણ આવેલું છે. તળાવની ચારેબાજુ આવેલા વૃક્ષો તળાવની સુંદરતામાં શોભા વધારે છે.

વાંચો : અમદાવાદમાં સ્થાપત્ય કલા, વિજ્ઞાન અને મનોરંજનનું સંયોજન

કનેવાલના 3 ટાપુ

કનેવાલ તળાવની મધ્યમાં 3 ટાપુ(બેટ) આવેલા છે. જે ટાપુના નામ ઇસનપુર ટાપુ, વલ્લી ટાપુ અને રેલ ટાપુ તરીકે ઓળખાય છે. તેમાંથી વલ્લી ટેકરા પર અંદાજે 40થી 70 લોકો રહે છે. તે લોકો ખેતી અને પશુપાલન થકી તેમના જીવનનું ગુજરાન ચલાવે છે. અહીં વીજળીની કોઇ સુવિધા ન હોવાથી લોકોએ અહીં સોલાર દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે.

રેલ નામના ટેકરા પર આશરે 80થી 120 લોકો રહે છે. તેઓ પણ ખેતી અને પશુપાલન થકી જ ગુજરાન ચલાવે છે. પરંતુ અહીં વીજળીની કોઇ સુવિધા નથી. ઇસનપુર ટેકરા પર લોકો રહેતા નથી. ઇસનપુર ટેકરો, વલ્લી ટેકરો અને રેલ ટેકરો અંદાજીત 50 હેક્ટર જેટલો વિસ્તાર આવરી લે છે.

પીકનીક પોઇન્ટ

તળાવની મધ્યમાં આવેલા ટાપુ પર ખાનગી લોકો દ્વારા પીકનીક પોઇન્ટ બનાવવામાં આવ્યો છે. ત્યાં જવા માટે ખાનગી બોટિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. બોટિંગ દ્વારા તમને વેલ્લી ટાપુ પર લઇ જવામાં આવે છે. જ્યાં જતા જ તમને મંત્રમુગ્ધ કરી દેતા સુંદર દ્રશ્યો જોવા મળશે. અહીં તમે પરિવાર સાથે આવીને આખો દિવસ વિતાવી શકો છો. કુદરતના ખોળે પિકનિક મનાવવા માટેની આ એક યોગ્ય જગ્યા છે.

અહીં ટાપુ પર સ્થાનિક લોકો દ્વારા બાળકો સાથે-સાથે મોટાઓ પણ આનંદ કરી શકે તેવી ગેમ બનાવી છે. તમે નાનપણમાં વૃક્ષ સાથે ટાયર બાંધીને હિંચકા તો ખાધા જ હશે ને ? હવે, આ શહેરી જીવનમાં ફરી એવી ક્ષણો જીવવા માટે આ સ્થળ એક સારી જગ્યા છે.

વાંચો : માઉન્ટ આબુના જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો

વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું ઘર

કનેવાલ અત્યારના સમયના સ્થળાંતર કરનારા પક્ષીઓનું મુખ્ય સ્થળ બની ગયું છે. તથા તે એક મહત્વપૂર્ણ અને અત્યંત વૈવિધ્યસભર ઇકોસિસ્ટમ બની ગયું છે. જે સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું ઘર છે. અહીં મોટી સંખ્યામાં પાણીમાં રહેતા પક્ષીઓ જોવા મળે છે.

અહીં તમને સ્થાનિકની સાથે-સાથે સ્થળાંતર કરનારા બંન્ને પ્રકારના પક્ષીઓ પણ જોવા મળશે. સ્થળાંતર કરનારા પક્ષીઓમાં તમને પેણ, કુંજ, કરકરા અને બતક જોવા મળે છે. સ્થાનિક પક્ષીઓમાં ટીટોડી, કલકલીયા, બગલા, સમડી, સારસ, સુરખાબ વગેરે જોવા મળશે.

બારેમાસ મુલાકાત લઇ શકો છો. પરંતુ મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બરથી માર્ચ દરમિયાન છે.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો.

Categorized in: