બીલીના આયુર્વેદિક વૃક્ષના શું ગુણધર્મો છે ? તેના પાન, છાલથી લઇને ફળ દરેકના ઉપયોગો. ક્યાં રોગમાં કેવી રીતે દવા તરીકે ઉપયોગ કરી શકાશે ?

ભગવાન શિવને ચડતા બીલીપત્રોથી તો કોઇ અજાણ તો નહિ હોય. તે બીલીપત્રો જે વૃક્ષ ઉપર ઉગતા છે, તેને બીલીનું વૃક્ષ કહેવામાં આવે છે. તે વૃક્ષ ઉપર ઉગતા ફળને પણ બીલી કહેવામાં આવે છે. તેનું સાયન્ટિફિક નામ ઇગલ માર્મેલોસ(Aegle marmelos) છે. તેને બીલી સિવાય બેલા, સીરફલ, ગોલ્ડન એપલ, હોલી ફ્રુટ વગેરે જેવા નામે ઓળખવામાં આવે છે.

અનુકુળ જમીન

બીલી કોઇ પણ જમીનમાં ગમે અને કોઇપણ આબોહવામાં ઓછા પાણીએ સહેલાઇથી ઉગી શકે તેવું વૃક્ષ છે. ભારતમાં અન્ય કોઇ વૃક્ષ ન ઉગી શકે તેવી જમીનમાં પણ બીલીને ઉછેરી શકાય છે. મોટાભાગે આ બીલીનું વૃક્ષ શિવમંદિરમાં જોવા મળતું હોય છે.

છોડની માવજત

છોડને સ્થાનિક જમીનની પરિસ્થિતિ મુજબ જરૂર પ્રમાણે પાણી આપતા રહેવું જોઇએ. છોડને ખૂબ જ ઓછા ખાતરની જરૂર પડે છે. આ છોડને જસતની અછત તરત વર્તાય છે. અને તેની અસરરૂપે પાન પીળા પડવા લાગે છે. તેવી પરિસ્થિતિમાં ઝીંકસલ્ફેટ અને ચૂનાના પાણીનો છંટકાવ કરવો જોઇએ.

આબોહવા પર અસર

બીલીના વૃક્ષને માનવજાત માટે કલ્યાણકારી માનવામાં આવે છે. જ્યાં બીલીનું વૃક્ષ હોય છે ત્યાંની હવા શુદ્ધ રહે છે. તેના ફૂલમાંથી પ્રસરિત થતી સુંગધના લીધે આજુબાજુનું વાતાવરણ પણ મહેકતું રહે છે.

ફળ આવવાનો સમય

ડિસેમ્બર-જાન્યુઆરીમાં મહત્તમ ઠંડીના સમયે કળી ફાળી પુષ્પ બહાર આવે છે. આ પુષ્પ સફેદ અને સુગંધીદાર હોય છે. ફૂલમાંથી એપ્રિલ મહિના સુધીમાં ફળ તૈયાર થઇ જાય છે. જ્યાં ઉનાળો લાંબો હોય ત્યાં ફળનું પ્રમાણ વધુ હોય છે.

ફળ એકત્ર કરવાનો સમય

ફળને એકત્ર કરવાનું જ્યારે પર્ણો ખરવાની અને ફળનો રંગ બદલવાની શરૂઆત થાય ત્યારે કરવી જોઇએ. તે સમયે ફળો સંપૂર્ણપણે પાકી જાય છે. ફળ ઉતાર્યા બાદ એકથી બે અઠવાડિયા સુધી બગડતા હોતા નથી. વૃક્ષ ફળો પાકવાના સમયે લગભગ પર્ણ વિહિન બની જતા હોય છે.

બીલીમાં રહેલા પોષકત્તવો

બીલીના ફળમાં પાણી, પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેડ, કેરોટીન જેટલા પોષકત્તવો રહેલા હોય છે. તેના પાન, છાલ તથા મૂળમાં વિવિધ ઉપયોગી રસાયણો જેવા કે, આલ્કેલોઇઝડ, સ્ટીરોઇડ, થાઇમીન રીબોફલેવીન તથા વિટામીન સી પણ રહેલું છે.

બીલીના ફળમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે અને હાયપરટેન્શનમાં પણ મદદરૂપ થાય છે.

બીલીના ફળમાં રહેલું કેલ્શિયમ હાડકા અને દાંતને મજબૂત કરે છે અને ઇજા થઇ હોય ત્યારે વહી જતા લોહીને નિયંત્રિત કરે છે.

બીલીના ફળમાં રહેલ લોહ તત્વ એનેમીયાના રોગીઓમાં મદદરૂપ છે.

બીલીમાં રહેલા તત્વો લોહીને શુદ્ધ કરવામાં, હૃદયના રોગોમાં, શ્વાસની બિમારીઓમાં, વાળને લગતી બિમારીઓમાં અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં બહુ જ મદદરૂપ થાય છે.

બીલીના પાનમાંથી બનાવેલું ચૂરણ ત્રણે દોષો ( વાત, પિત્ત, કફ )નું નિવારણ કરવામાં મદદરૂપ થાય છે.

બીલીના મૂળમાં રહેલા તત્વો ઉલટી અને ઉબકાને નિયંત્રિત કરવામાં બહુ જ મદદરૂપ થાય છે.

બીલીમાં રહેલા પોષક તત્વો પાચન ક્રિયાને મજબૂત કરવામાં બહુ મોટો ફાળો આપે છે.

પાનના ઉપયોગો

આંખના રોગોમાં બીલીના પાન વાટીને આંખમાં આંજવામાં આવે છે. દશમૂળ નામની આયુર્વેદિક બનાવટમાં પણ તેના પાન વપરાય છે. ડાયાબીટીસમાં પણ બીલીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.

ફળના ઉપયોગો

બીલીના કાચા ફલનું શાક તથા અથાણું પણ બને છે. પાકા બીલી ગળ્યા હોય છે જે ખાવાના કામમાં આવે છે. ઉનાળામાં બીલીમાં ખાંડ નાખીને તેનું શરબત બનાવી પીવાથી ઠંડક મળે છે. બીલીનો ગર્ભ ઝાડા તથા મરડામાં ઔષધિ તરીકે પણ વપરાય છે.

શિવજી અને બીલીપત્રો

હિન્દુ ધર્મમાં શિવજીને બીલી પત્ર ચડાવવાની પણ પરંપરા રહેલી છે. ખાસ કરીને શ્રાવણ માસમાં શિવજીને બીલી પત્રો ચડે છે.

વાંચો: જાંબુ ના આયુર્વેદિક ફાયદા

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધી સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો.

Categorized in: